BREAKING NEWS

શિક્ષકની ગાડી સાથે અકસ્માત સર્જી છરી બતાવી મારી નાખવાની ધમકી

  • February 03, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી કારને ઠોકર માર્યા બાદ બાઇકચાલકે છરી કાઢી એપાર્ટમેન્ટના રહીશો અને વાહન માલિક શિક્ષકને ગાળો ભાંડી હતી. આ શખસે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં શિક્ષકે અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક નંદ વિલા એપાર્ટમેન્ટ 102(બી)માં રહેતા અને ધ્રોલના ફ્લ્લા ગામે સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશભાઇ નરભેરામ સવસાણી (ઉ.વ. ૪૬)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા-૦૧/૦૨/૨૦૨૬ રાત્રીના સવા અગિયારેક વાગ્યાની આસપાસ તેને પુત્ર પ્રીતનો ફોન આવ્યો હતો કે, આપણી ગાડીમાં એક ભાઈએ પોતાનું હોન્ડા ભટકાડેલ છે, તમે જલ્દી આવો. જેથી શિક્ષક ઘરથી નજીક હોય તુરંત જ એપાર્ટમેન્ટ પાસે ફોરવ્હીલ પાર્ક કરેલ હોય ત્યાં પહોંચ્યા હતા. અહીં એપાર્મેન્ટના માણસો ભેગા થઇ ગયેલ હતા. ત્યારે ત્યાં અક્ષયભાઈ મનસુખભાઈ ગડારા જે અમારા એપાર્ટમેન્ટમાં રહેતાં હોય તેમણે વાત કરી હતી કે, હું મારા એપાર્ટમેન્ટની બારીએ બેઠો હતો ત્યારે એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી ફોર વ્હીલમાં અજાણ્યા મોટર સાયકલ ચાલકે વાહન ભટકાડી દીધેલ હતું. જેથી એપાર્ટમેન્ટના રહેવાસીઓ ભેગા થઇ ગયેલ હતા.


વધુમાં શિક્ષકે જણાવ્યુ હતું કે, તેમની અલ્ટો કાર જેના રજી.નં. જી.જે-૦૩-એલબી-૯૫૧૮ તથા એપાર્ટમેન્ટની બીજી ગાડીઓ પાર્ક કરેલી હતી. ત્યાં આ અજાણ્યો વ્યક્તિ પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે હાજર હતો, તેના વાહનમાં નંબર પ્લેટ ન હતી. આ શખસ ત્યાં હાજર બધા લોકોને ગાળો આપવા લાગેલ હતો. બાદમાં પોતાનું મોટર સાયકલ ત્યાં જ મૂકી ક્યાંક જતો રહેલ હતો. બાદ અજાણ્યો શખસ ફરી ત્યાં આવ્યો હતો અને પોતાના નેફામાંથી છરી કાઢીને બધાને છરી બતાવા લાગ્યો હતો અને કહેવા લાગેલ કે, તમે લોકો પોલીસ ફરીયાદ કરી છે તો જાનથી મારી નાખીશ તેમ કહી ત્યાંથી મોટરસાયકલ લઈને જતો રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application