રાજકોટ શહેરમાં કિન્નરો વચ્ચે ફરી વિવાદ થયો છે. થોડા મહિનાઓ પૂર્વે જ કિન્નરોના જૂથે સામુહિક રીતે આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સામસામે બંને પક્ષે ગુના નોંધાયા હતા. ત્યાં વધુ એક વાર કિન્નરોના બે જૂથ વચ્ચે માથાકૂટ થવા પામી છે. પેલેસ રોડ પર સ્કોર્પિયો કારમાં ધસી આવેલ મીરા દે અને મકસુદ શેખે સમીરા દે નામના કિન્નર સાથે મારકૂટ કરી ધમકી આપી હતી. જે અંગે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રામનાથપરામાં જુમ્મા મસ્જિદ નજીક બોઘાણી શેરીમાં કિન્નર સમીરા દે ગોપી દે(ઉ.વ.૨૦) એ આરોપી તરીકે મકસુદ સબીરભાઈ શેખ અને મીરા દેનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ગુરુનુ નામ ગોપી દે છે. તે છેલ્લા બે વર્ષથી ગોપી દે સાથે છે.
ગત તા.૧/૭/૨૦૨૬ ના સાડા ચાર વાગ્યે તે તથા ખુશ્બુ દે અમનભાઇની રીક્ષામાં જ્યુબેલી ચોકથી રીક્ષામા બેસી કોઠારીયા રોડ, હુડકો પોલીસ ચોકી પાસે, આહીર ચોક બાજુ જતાં હતા. દરમિયાન પાંચ વાગ્યાની આસપાસ પેલેસ રોડ પર રામ-શ્યામ ગોલા પાસે પહોચતા રીક્ષાની આગળ એક કાળા કલરની સ્કોર્પિયોના ચાલકે કાર આડી નાખી રીક્ષા ઉભી રખાવી હતી. જે કારમાંથી મકસુદ શેખ ઉતર્યો હતો અને રીક્ષા ચાલક અમનભાઈ તેમજ ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો. ત્યાર બાદ મીરા દે કારમાંથી ઉતરી હતી અને કહેવા લાગેલ કે, હું તમને બંનેને બે દીવસમા જોઇ લઇશ. બાદમાં ગાળો આપી ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો. જેથી ફરિયાદી રીક્ષા સાથે ભટકાતા બંને તેની સાથે ધોલધપાટ કરવા લાગ્યા હતા.હું તને બે દીવસમા તારા ઘરે આવી જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી.