જામનગરમાં તાજેતરમાં પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સીટી-બી ડીવીઝનમાં પુર્વ વિપક્ષી નેતા-કોર્પોરેટર સહિત ૬ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આ પ્રકરણમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરીને અન્ય શખ્સોની શોધખોળ આદરી છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં રહેતા અને વોર્ડ નં. ૧૨ના અસલમભાઇ ખીલજી પર ચાર દિવસ પહેલા ભીડભંજન રોડ પર કારમાં આવેલા શખ્સોએ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો જેના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી, ઇજાગ્રસ્તને જી.જી. હોસ્પીટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, બીજી બાજુ આ બનાવ અંગે પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીના કહેવાથી જુનેદ સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાની સીટી-બી ડીવીઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ સીટી-બી પીઆઇ પી.પી.ઝા ચલાવી રહયા છે.
દરમ્યાનમાં આ પ્રકરણમાં પોલીસ દ્વારા તાકીદની તપાસ કરીને ૩ શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા અને પટણીવાડ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, આ ફરીયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી જુનેદ ઉર્ફે પાવડરીયાો રઝાક ચૌહાણ તેમજ સલીમ ખીલજી અને હબીબ ખફીની ધરપકડ કરી અદાલત સમક્ષ રજુ કરતા જેલ હવાલે કરી દેવાયા છે, જયારે આ પ્રકરણના બાકીના આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.