BREAKING NEWS

કંપનીઓ દ્વારા મોંઘી વિદેશ ટ્રીપ મામલે ગુજરાતના ત્રણ ડૉક્ટર કરાયા સસ્પેન્ડ

  • July 01, 2026 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી) દ્વારા વ્યાવસાયિક આચારસંહિતાના ભંગ બદલ ગુજરાતના ત્રણ સ્કીન સ્પેશીયાલીસ્ટ (ડર્મેટોલોજિસ્ટ) ડૉક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન 13 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટરોમાં સુરતના બે અને અમદાવાદના એક ડૉક્ટરનો સમાવેશ થાય છે. આરોગ્ય ક્ષેત્રમાં ઉદ્યોગ પ્રાયોજિત વિદેશ પ્રવાસને લઈને કાર્યવાહી થયાના આ થોડાક જ કિસ્સાઓમાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

માહિતી અનુસાર, વર્ષ 2024 દરમિયાન દેશના નવ રાજ્યોના કુલ 30 જેટલા આરોગ્ય વ્યવસાયીઓ, જેમાં મોટાભાગે ડર્મેટોલોજિસ્ટ હતા, ફ્રાન્સના પેરિસ અને મોનાકોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેવા ગયા હતા. આ સમગ્ર પ્રવાસનો ખર્ચ એક બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો. આ મામલાને ભારતીય મેડિકલ વ્યવસાયની આચારસંહિતાના નિયમોનો ભંગ ગણવામાં આવ્યો છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલે જણાવ્યું છે કે કંપની દ્વારા પ્રાયોજિત વિદેશ પ્રવાસ સ્વીકારવો અને તે અંતર્ગત મળતા લાભો મેળવવા એ મેડીકલ કાઉન્સિલ રેગ્યુલેશન 2002ની કલમ 6.8નું ઉલ્લંઘન છે. આ નિયમ મુજબ નોંધાયેલા તબીબો ફાર્માસ્યુટિકલ અથવા બાયોટેક કંપનીઓ પાસેથી વ્યક્તિગત લાભ, ભેટ, આતિથ્ય અથવા પ્રાયોજિત પ્રવાસ સ્વીકારી શકતા નથી.

સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટરોમાં સુરતના ડૉ. જગદીશકુમાર સાખિયા અને ડૉ. અમી શાહ, તેમજ અમદાવાદના ડૉ. ગીતા પટેલનો સમાવેશ થાય છે. ડૉ. જગદીશકુમાર સાખિયા અમદાવાદ, સુરત, પાલનપુર અને દુબઈમાં કાર્યરત સ્કિન ક્લિનિક્સની એક જાણીતી ચેઇનના સ્થાપક તરીકે પણ ઓળખાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત મેડિકલ કાઉન્સિલે ઉપલબ્ધ દસ્તાવેજો, પ્રવાસની વિગતો અને સંબંધિત પુરાવાઓના આધારે તપાસ પૂર્ણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. કાઉન્સિલનું માનવું છે કે આવા ઉદ્યોગ પ્રાયોજિત પ્રવાસો તબીબોની વ્યાવસાયિક નિષ્પક્ષતા અને દર્દીઓના હિતોને અસર કરી શકે છે, તેથી મેડિકલ વ્યવસાયમાં પારદર્શિતા અને નૈતિક ધોરણો જાળવવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.

આ નિર્ણય બાદ સંબંધિત ત્રણેય ડૉક્ટરો આગામી 13 મહિના સુધી મેડિકલ પ્રેક્ટિસ માટે પોતાના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી શકશે નહીં. આરોગ્ય ક્ષેત્રમાં નૈતિકતા અને દર્દીઓના વિશ્વાસને જાળવવાના હેતુથી ગુજરાત મેડિકલ કાઉન્સિલની આ કાર્યવાહી મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. સાથે જ ભવિષ્યમાં અન્ય તબીબો માટે પણ આ નિર્ણય માર્ગદર્શક અને ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application