BREAKING NEWS

કાનપર ગામે રેતીચોરીનો પર્દાફાશમાં ત્રણ ડમ્પર અને લોડર જપ્ત; રૂ.૪.૪૨ લાખનો દંડ

  • September 18, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાનપર ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા ત્રણ ડમ્પર તથા એક લોડર ઝડપાયા છે. રાજકોટ ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પકડાયેલા વાહનો સહિતના મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.૫૦ લાખ આંકવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂ.૪.૪૨ લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ખનન તથા ખનીજ વહન સામે તપાસ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જસદણ તાલુકાના કાનપર ગામ ખાતે તપાસ દરમિયાન રેતીની ગેરકાયદેસર ચોરી અને વહન કરતા ત્રણ ડમ્પર તથા એક લોડર મળી આવ્યા હતા. નિયમભંગ બદલ આ વાહનોને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.૫૦ લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. તેમજ આ મામલે કુલ રૂપિયા ૪.૪૨ લાખનો દંડ વસૂલી તમામ રકમ સરકારી તિજોરીમાં જમા કરાઈ છે. આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહ દરમિયાન પણ ખનીજ વહન કરતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિંછીયા, કુવાડવા હાઇવે અને આટકોટ નજીક હાથ ધરાયેલી તપાસમાં કુલ ચાર ઓવરલોડ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનો સામેની કાર્યવાહી દરમિયાન રૂ.૨.૯૧ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનન, રેતીચોરી તેમજ નિયમવિરુદ્ધ ખનીજ વહન અટકાવવા માટે ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હાઇવે અને ખનીજ વહનના સંવેદનશીલ માર્ગો પર વાહનોની તપાસ વધારવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ ખનીજ વહન સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application