BREAKING NEWS

ગાંધીનગરમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટીઃ રાજકોટની યુવતી સહિત ત્રણનાં મોત, ગરબે રમી ચાર મિત્રો અમદાવાદ પરત ફરતા હતા

  • October 20, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરના અડાલજ રોડ પર આજે વહેલી સવારે મહારાજા હોટેલ પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવા મિત્રોમાંથી એક યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલી અન્ય એક યુવતીનું પણ સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો હતો, જ્યારે ચોથા યુવકની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બે યુવતીમાંથી એક રાજકોટની રહેવાસી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી કારમાં કુલ ચાર યુવાન મિત્રો (બે યુવક અને બે યુવતીઓ) સવાર હતા. આ તમામ મિત્રો ગાંધીનગરમાં નવરાત્રિના ગરબા રમીને વહેલી સવારે અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જ્યારે તેઓ અડાલજ રોડ પર મહારાજા હોટેલની નજીક પહોંચ્યા, ત્યારે પૂરપાટ ઝડપના કારણે કારચાલક યુવકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કાર ધડાકા સાથે રોડની મધ્યમાં આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ અને હાઇ સ્પીડમાં હોવાને કારણે રોડ પર પલટી ખાઈને ફંગોળાઈ ગઈ હતી.

આ અકસ્માત એટલો જોરદાર અને ભયાનક હતો કે કારનો આગળનો તથા અન્ય ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા યુવક-યુવતીઓને બહાર કાઢ્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અને ભારે લોહી વહી જવાથી એક યુવક અને યુવતીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય યુવક અને યુવતીને ત્વરિત સારવાર અર્થે નજીકની કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું પણ મોત નીપજ્યું હતું. મૃતક યુવતીઓની ઓળખમાં રાજકોટની રહેવાસી આસ્થા તરીકે થઈ છે, જે અમદાવાદની હોસ્ટેલમાં રહીને એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.

ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી. દેસાઈ પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કારમાં બે યુવતીઓ અને બે યુવકો સવાર હતા, જેઓ ગરબા રમીને પરત ફરી રહ્યા હતા તે વેળાએ આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચોથા યુવકની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે અને ડોક્ટરોની સઘન દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application