અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલા ટોલનાકા પાસેથી 25 કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ કુખ્યાત આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના અલગ-અલગ સ્થળોએ પહોંચાડવાનો હતો, જેને સમયસર જપ્ત કરીને પોલીસે એક મોટી નાર્કોટિક્સ હેરાફેરી નિષ્ફળ બનાવી છે. હાલમાં ત્રણેય આરોપીઓની કસ્ટડી મેળવીને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઓપરેશન દરમિયાન પકડાયેલા આરોપીઓમાં પહેલું નામ તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી)નું છે, જેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ગંભીર છે. તે વર્ષ ૨૦૧૪માં અમૃતસરમાં ૧૦૦ ગ્રામ હેરોઈન અને ૨૦૧૯માં ૩૦૦ કિલો હેરોઈનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગુનામાં સંડોવાયેલો હતો. બીજો આરોપી મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ) છે, જે છેડતી, કબૂતરબાજી એટલે કે માનવ તસ્કરી અને છેતરપિંડી જેવા અનેક ગંભીર ગુનાઓ માટે કુખ્યાત શખ્સ છે. જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે. નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં ૧૮.૫ કિલો ચરસ, અમદાવાદમાં ૧૦૦ ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે ૩ કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
પોલીસે આ ત્રણેય આંતર-રાજ્ય પેડલરો પાસેથી ભારે માત્રામાં પ્રતિબંધિત નશીલા પદાર્થો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા જથ્થામાં કુલ ૨૪૯૭.૪૯૦ ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ છે, જેની બજાર કિંમત ૧.૨ કરોડ રૂપિયા પ્રતિ કિલો છે. આ ઉપરાંત, પોલીસે ૪૫૩૧.૨૨૦ ગ્રામ હેરોઈન પણ કબજે કર્યું છે, જેની બજાર કિંમત પાંચ કરોડ રૂપિયા પ્રતિ કિલો આંકવામાં આવી છે. આ બંને પ્રકારના મોંઘા અને ખતરનાક ડ્રગ્સની કુલ બજાર કિંમત 25 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે, જે દર્શાવે છે કે આ એક ખૂબ જ મોટું આંતર-રાજ્ય સેર રિંગ ઓપરેશન હતું.
આ સફળ રેડ અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર આવેલા સીટીએમ ટોલનાકા પાસે, રામોલ પોલીસ સ્ટેશનની હદની અંદર પાર પાડવામાં આવી હતી. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બાતમીના આધારે આ નાકાબંધી કરી હતી અને કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કની આ કડીઓ ક્યા-ક્યા સુધી ફેલાયેલી છે અને આ રેકેટના મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.