BREAKING NEWS

જામનગર-ધ્રોલ પંથકમાં દિવાળીના સપરમાં દિવસોમાં બે વાહન અકસ્માતમાં ત્રણના મૃત્યુ

  • October 27, 2025 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક ચેલા પાસે તેમજ ધ્રોલ પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિ કાળ નો કોળીયો બની છે. ચેલા નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર કાકા-ભત્રીજાના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જયારે ધ્રોળ નજીક ગાય આડી ઉતરતાં રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હોવાથી તેના ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજયું છે.


અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક ચેલા ગામ પાસે બન્યો હતો. જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા ચંદુભા માનસંગજી કેર (ઉંમર વર્ષ ૫૫) ગત ૨૧ તારીખે રાત્રિના નવ વાગ્યે પોતાના જી.જે.૧૦ બી.સી. ૨૧૪૧ નંબરના મોટરસાયકલ પર પોતાના ભત્રીજા રાજદીપસિંહ કેરને પાછળ બેસાડીને ચેલા ગામથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી દારૂના નશામાં ચકચુર બનીને રોંગ સાઈડમાં આવી રહેલા જી.જે. ૧૨બી.ડબ્લ્યુ. ૦૨૬૩ નંબરના ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર અને તેનો ભત્રીજો બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા હતા, અને કચડાઈ ગયા હોવાના કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.


 આ અકસ્માતના બનાવ અંગે હરદીપસિંહ ચંદુભા કેરએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. જે હાલ ભાગી છૂટ્યો હોવાથી તેનો રેધો પડેલો ટ્રક કબજે કરી લઇ તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


અકસ્માતનો બીજો બનાવ ધ્રોલ નજીક લૈયારા ગામ પાસે બન્યો હતો. ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતો અને શાકભાજીનું વેચાણ કરતો સુરેશ બટુકભાઈ રાઠોડ નામનો ૩૪ વર્ષનો યુવાન પોતાના રિક્ષા છકડા જીજે૧૦એકસ-૩૮૭૯માં ધ્રોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શાકભાજી વેચવા જઈ રહ્યો હતો, જેનું વેચાણ કરીને પોતાનો રિક્ષાછકડો લઈને ધ્રોલ તરફ પરત આવી રહ્યો હતો, જે દરમિયાન રાજકોટ જામનગર હાઇવે રોડ પર લૈયારા પાસે તેને અકસ્માત નડ્યો હતો. 


માર્ગ ઉપર એક ગાય આડી આવી જતાં તેને બચાવવા જવાથી પોતે રીક્ષા છકડા પરનો કાબુ ગુમાવી બેઠો હતો, અને રીક્ષા છકડો રોડથી નીચે ઉતરીને પલટી મારી ગયો હતો. જે અકસ્માતમાં પોતે ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.


 આ અકસ્માતના મામલે પોલીસને જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા બનાવના સ્થળે અને રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને રીક્ષા છકડા ચાલક ના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application