માસીયાઇ ભાઇને આરોપી સાથે બોલાચાલી થઇ હોય યુવક સમજાવવા જતા તેને મારમાર્યો: શાપર પોલીસે ગુનો નોંધ્યો
શાપર પાસેના પારડી ગામે રહેતા યુવાન સાથે ત્રણ શખસોએ ઝઘડો કરી તેને માથામાં કડા વડે મારમારી માથું ફોડી નાખ્યું હતું. યુવાનના માસીયાઇ ભાઈને આરોપીઓ સાથે ઝઘડો થયો હોય યુવાન સમજાવવા જતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
પારડી ગામે શીતળા માતાજીના મંદિર પાછળ રામપાર્ક પાસે રાધેશ્યામ સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા મૂળ યુપીના વતની રાજ ઓમ પ્રકાશ નિશાદભાઈ ખારવા (ઉ.વ.21) નામના યુવાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ દેવેન્દ્ર પાસવાન, ભોલુ અને નિખિલના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના સાડા છેક વાગ્યા આસપાસ તે ઘરે હતો ત્યારે તેના માસીયાઇ ભાઈ દિવ્યાંશ નિસાદનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કિસાન ગેટની અંદર ભાગ્યલક્ષ્મી મોબાઇલની દુકાન પાસે રોડ ઉપર મારે રાજુ દેવેન્દ્ર પાસવાન તથા ભોલુ અને નિખિલ સાથે મેળાની ભીડમાં ધકાધકીમાં ચાલવા બાબતે બોલાચાલી થઈ છે તેમ વાત કરતા યુવાન અહીં ગયો હતો જ્યાં આ ત્રણેય આરોપીઓ હાજર હોય અને આ ત્રણેય શખસો યુવાનના ભાઈ દિવ્યાંશ સાથે ગાળા ગાળી કરતા હોય જેથી યુવાને ગાળો બોલવાની ના પાડી હતી.
દરમિયાન રાજુ પાસવાને હાથમાં પહેરેલું કડુ યુવાનને માથાના ભાગે મારી દીધું હતું અને ત્યારબાદ ત્રણ ધા માર્યા હતા. જેથી યુવાનને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અહીં લોકો એકત્ર થઈ જતા આ ત્રણેય શખસો અહીંથી જતા રહ્યા હતા બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને માથાના ભાગે પાંચ ટકા આવ્યા હતા. ત્યારબાદ તેણે આ અંગે આ ત્રણેય શખસો વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.