રાજકોટમાં સોની બજારમાં ટૂલ્સની એક દુકાનમાં ધબધબાટી બોલી હતી. કેટલાક શખ્સો દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ મારામારીમાં એક છોકરાએ ટૂલ્સનો ઘા કરતા મહિલાનો નેણ ચીરી નાંખ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
મહિલા લોહીલૂહાણ થઈ ઢળી પડે છેસીસીટીવીમાં જોવા મળે છે કે, બાળકોને લઈને બે મહિલાઓ વચ્ચે ઝઘડો થાય છે. જેમાં એક મહિલાનો પરિવાર બીજી મહિલાને અને દુકાનદારને ફડાકા ઝીંકી દે છે. બાદમાં બંને હાથાપાઈ પર ઉતરી આવે છે. આ સમયે દુકાનમાં ઘૂસેલા મહિલાના પરિવારમાંથી આવેલા પુરૂષો પણ મહિલા અને દુકાનદાર પર હુમલો કરતા નજરે પડે છે. આ ઘટનામાં એક સગીર વયનો છોકરો ટૂલ્સ હાથમાં લઈને મહિલાના કપાળ પર મારે છે. આથી મહિલા જમીન પર પટકાય જાય છે અને લોહીલૂહાણ બની જાય છે. બાદમાં માલુમ પડે છે કે મહિલાનો એક બાજુનો નેણ જ ચિરાઈ ગયો છે.
દુકાનમાં તોડફોડ કરવામાં આવી
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલી સોની બજારમાં એક ટૂલ્સની દુકાનમાં ત્રણ શખ્સો દ્વારા લેપટોપ અને મોબાઈલ સહિત અન્ય સામાનની તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડ કરતા સમયે આ લુખ્ખા તત્ત્વો દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જે બાદ આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.
સગીર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
દુકાનદાર અને અસામાજિક તત્ત્વોને સામાનને લઇને માથાકૂટ થઈ હતી. જે બાદ આ ત્રણ શખ્સો ઉશ્કેરાઈ જઈને મારામારી અને તોડફોડ કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે. જેમાં એક સગીર દ્વારા ટૂલ્સનો છુટો ઘા કરી મહિલાને ગંભીર ઈજા પહોચાડમાં આવી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 1 સગીર સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.