છોટાઉદેપુરના બોડેલી-નસવાડી રોડ પર તાંદલજા ગામ પાસે રાત્રે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આથી બાઈક ફંગોળાતા તેના પર સવાર ત્રણ લોકો રોડ પર પટકાયા હતા. ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહો પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા ગામના ત્રણ વ્યક્તિ બાઈક પર બોડેલી લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન બોડેલી-નસવાડી રોડ ઉપર બોડેલીના તાંદલજા ગામની સીમ પાસેના વળાંક પર અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બાઈક પર સવાર કનુભાઈ પરસોત્તમભાઈ રોહિત, બાબાભાઈ માધવભાઈ રોહિત અને ધુરાભાઈ વીરાભાઇ રોહિતને ગંભીર ઈજા થતાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અજાણ્યો વાહનચાલક અંધારાનો લાભ લઈને અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.
આ ટક્કરની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અકસ્માત બાદ બાઇક લગભગ 600 મીટર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી. ટક્કરના કારણે ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે ત્રણેયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક તુરંત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમૉર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. બોડેલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ટક્કર મારનાર વાહન તથા ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.