શહેરના મવડી વિસ્તારમાં આવેલા આસ્થા ચોક નજીક સોમવારે રાત્રીના જુના મન દુઃખમાં યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યામાં સામેલ મુખ્ય સૂત્રધાર અને કાયદામાં સંઘર્ષીત બાળ કિશોર સહીત ત્રણ શખસોને એલસીબી ઝોન-2 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ પકડી પાડી પુછપરછ હાથ ધરી છે. હત્યા બાઈક અથડાવવા બાબતે થયેલી માથકૂટનો ખાર રાખી કરવામાં આવી હોવાનું આરોપીઓ કેફિયત આપી રહ્યા છે પરંતુ પોલીસને આ વાત ગળે ન ઉતરતી હોય આથી રિમાન્ડની માગણી કરવામાં આવી છે આ ઉપરાંત હત્યામાં સામેલ એક શખ્સ ફરાર હોય તેનું પેગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મવડી પાળ રોડ પર આવેલ મીરા ટાઉનશિપમાં રહેતાં પરેશ ટાભજીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮)નો યુવક રાત્રીના મિત્રો સાથે આસ્થા ચોક પાસે બેઠો હતો ત્યારે કુખ્યાત અનિલ ઉર્ફે કાનો, ધર્મેશ ઉર્ફે રાધે, સુજલ અને એક બાઇકમાં ત્યાં આવ્યા હતા અને પરેશ સાથે ગાળાગાળી કરી ઝગડો કરી ઢીકાપાટુનો મારવા લાગ્યા હતા દરમિયાન અનિલ ઉર્ફે કાનાએ નેફામાંથી છરી કાઢી યુવકને ઉપરા છાપરી પેટના ભાગે ઘા મારી દેતા યુવક ત્યાંજ ઢળી પડ્યો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા શખસો નાશી છૂટ્યા હતા અને કોઈએ 108 અને પોલીસને જાણ કરતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પિતા ટાભજીભાઈ ચૌહાણ (ઉ.વ.55)ની ફરિયાદ પરથી કુખ્યાત અનિલ ઉર્ફે કાનો મુકેશભાઈ પરમાર (ઉ.વ.23-રહે-આંબેડકરનગર શેરી નં-11, 150 ફૂટ રિંગ રોડ), ધર્મેશ ઉર્ફે રાધે હરેશભાઇ રાઠોડ (ઉ.વ.27-રહે-આંબેડકરનગર શેરી નં-5), સુજલ તેમજ કાયદામાં સંઘર્ષીત એક સગીર સામે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
દરમિયાન અનિલ ઉર્ફે કાનો પરમાર રૈયારોડ પરથી પસાર થતા તેને એલસીબી ઝોન-2ની ટીમે ઝડપી લીધો હતો જયારે ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડ અને કાયદાથી સંઘર્ષીત સગીર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૈયારોડ પર ઇન્ડિયન પાર્કના ક્વાર્ટર પાસેથી ઝડપી લીધા હતા. હત્યામાં સામેલ સુજલ હજુ ફરાર હોય તેનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.
ઝડપાયેલા હત્યારાઓની પુછપરછ દરમિયાન આઠેક દિવસ પહેલા પાળ રોડ પર બાઈક અથડાવવા બાબતે પરેશ સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી હુમલો કરી હત્યા નિપજાવી હોવાની કેફિયત આપી રહ્યા છે પરંતુ આંતરિક સુત્રોમાંથી મળતી વિગત મુજબ દારૂના ધંધાની માથાકૂટના મનદુઃખમાં યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે દ્વારા ઝડપાયેલા શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે જે બાદ સાચું કારણ સામે આવી શકે છે.
આરોપીને ઝડપી લેવાની કામગીરી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને ડીસીપી રાકેશ દેસાઈની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ.એસ.ચાવડા, પીઆઇ એમ.એલ.ડામોર, પીઆઇ સી.એચ. જાદવ, કપીએસઆઈ એ.એન.પરમાર, પીએસઆઈ વી.ડી.રાવલિયા, પીએસઆઈ એસ.વી.ચુડાસમા સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓનો પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ
હત્યાના ગુનામાં સામેલ આરોપીની ધરપકડ બાદ પોલીસે તમામનો ગુનાહિત ઇતિહાસ તપાસતા સૂત્રધાર અનિલ ઉર્ફે કાના સામે માલવિયાનગરમાં જુગારના બે અને કાલાવડ પોલીસમાં વાહન ચોરીનો, ધર્મેશ ઉર્ફે રાધે સામે યુનિવર્સીટી પોલીસ મથકમાં દારૂ, ધમકી, અને જાહેરનામા ભંગના ચાર, માલવિયા નગર અને તાલુકા પોલીસમાં મારામારી અને દારૂના મળી ત્રણ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.