સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ કુડસદ ગામ નજીક રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. એક જ બાઇક પર સવાર થઈને જઈ રહેલા ચાર યુવકો અચાનક બાઇક પરથી કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વાહન પરનો કાબૂ છૂટી જતાં બાઇક બ્રિજની પ્રોટેક્શન વોલ સાથે ખૂબ જ જોરદાર રીતે અથડાયું હતું. અકસ્માતના આંચકાથી બાઇક પર સવાર ચારેય યુવકો ઉછળીને આશરે ૫૦ ફૂટથી પણ વધુ ઊંચાઈ ધરાવતા બ્રિજ પરથી સીધા નીચે પટકાયા હતા. જેમાં ત્રણ યુવકના મોત નીપજ્યા હતા અને એકની હાલત ગંભીર છે.
મળતી પ્રાથમિક વિગતો મુજબ, ઓલપાડના કુડસદ ગામ નજીકથી પસાર થઈ રહેલા બ્રિજ પરથી ચારેય યુવકો એક જ બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણોસર બાઇકચાલકે વાહન પરનું સંતુલન ગુમાવ્યું હતું. બાઇક પૂરઝડપે બ્રિજની સેફ્ટી વોલ સાથે ધડાકાભેર અથડાતાં બાઇક પર સવાર યુવકો હવામાં ઉછળ્યા હતા અને ૫૦ ફૂટથી વધુ ઊંચા બ્રિજ પરથી નીચે પડ્યા હતા. આટલી મોટી ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે ચારેય યુવકોને શરીરના વિવિધ ભાગોમાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા.
એક જ બાઇક પર સવાર ચાર યુવકો સાથે બનેલી આ કરૂણાંતિકાને પગલે કુડસદ ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. અકસ્માત અંગેની માહિતી પોલીસને આપવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો છે.
પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બાઇકની ઝડપ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.