ભારતની વિકાસયાત્રામાં ગુજરાત ફરી એકવાર કેન્દ્રસ્થાને આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ મહિનામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. બાદમાં બાય રોડ ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતું.
સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (ઓએસએટી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જે રાજ્યના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. માઇક્રોન બાદ ગુજરાતમાં કાર્યરત થનારો આ બીજો મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. વડા પ્રધાને આજે ગુજરાતને રૂ. 19,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. સાણંદના આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. માઇક્રોનનો પ્લાન્ટ 2027 સુધીમાં રોજની 10 લાખ ચિપ્સ બનાવતો થઈ જશે. આમ, ટૂંક સમયમાં ગુજરાતમાં રોજની 70 લાખથી વધુ ચિપ્સનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ ઉપરાંત પીએમ મોદી વાવ-થરાદ ખાતેથી કુલ રૂ. 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ 109 કિલોમીટર લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' છે. જેનો ખર્ચ રૂ. 5100 કરોડથી વધુ છે. આ હાઈવેને કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર એક કલાક 45 મિનિટમાં કાપી શકાશે, જે પ્રાદેશિક કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવશે. સાંજે ચાર વાગ્યે ડીસાના નાણી ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ રાષ્ટ્રને સમર્પિત કર્યું
મહાવીર જયંતિના પવિત્ર અવસરે, ગાંધીનગરના કોબા તીર્થ ખાતે પીએમ મોદી ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ મ્યુઝિયમ માત્ર ઈમારત નથી, પણ ભારતની અહિંસા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. પૂજ્ય આચાર્યશ્રીનું તપ: આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનું 60 વર્ષનું તપ જોડાયેલું છે. તેમણે ભારત અને નેપાળમાં બે લાખ કિલોમીટરની પદયાત્રા કરી ઐતિહાસિક અને સાંસ્કૃતિક અવશેષો એકત્ર કર્યા છે. તેઓ સમ્રાટ અશોકના પૌત્ર હતા અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર તેમજ અહિંસાના મૂલ્યો માટે જાણીતા હતા. મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સ્થિત આ મ્યુઝિયમમાં સાત ભવ્ય ગેલેરીઓ છે. અહીં 2,000થી વધુ દુર્લભ વસ્તુઓ, પ્રાચીન હસ્તપ્રતો, ચાંદીના રથ, સિક્કાઓ અને પથ્થર-ધાતુના શિલ્પો સાચવવામાં આવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ટોરેન્ટ ગ્રુપના પ્રમુખ સુધીર મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.