રાજ્યના ૮ થી ૧૦ હજાર રેવન્યુ સ્ટાફની અચોક્કસ મુદતની હડતાળનો આજે બીજો દિવસ .
રાજ્યના ૮ થી ૧૦ હજાર રેવન્યુ સ્ટાફની અચોક્કસ મુદતની હડતાળનો આજે બીજો દિવસ .
October 08, 2026 11:00 AM
રાજ્યની વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર ગઈકાલે રેવન્યુ કર્મચારીઓ દ્વારા ઉગ્ર ધરણાં યોજવામાં આવ્યા હતા. રાજ્યના આશરે ૮ થી ૧૦ હજાર રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના લીધે કચેરીઓમાં સન્નાટો અને સુમસામ સ્થિતિ જોવા મળી હતી. કર્મચારીઓના આ આંદોલનના પગલે જમીન અને વિવિધ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા માટેની હજારો અરજીઓ અટવાઈ ગઈ છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારી એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, બુધવારથી શરૂ થયેલી આ અચોક્કસ મુદતની હડતાળને સપૂર્ણ સફળતા મળી છે અને જ્યાં સુધી અમારા પડતર પ્રશ્નોનો કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ જ રહેશે. બુધવારે સવારે રાજ્યભરની જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર કર્મચારીઓએ એકત્ર થઈને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર પણ ૧૫ થી વધુ કર્મચારીઓ ધરણાં પર બેઠા હતા. જેના કારણે જમીન તેમજ દાખલા-પ્રમાણપત્રો સહિતની મહેસૂલી અને બિન-મહેસૂલી ૬ હજારથી વધુ અરજીઓ અટકી પડી હતી.સમગ્ર રાજ્યમાં આ હડતાળના કારણે હજારો અરજીઓનો સમયસર નિકાલ થઈ શક્યો નહોતો. હડતાળની અગાઉથી કોઈ ચોક્કસ જાણ ન હોવાને કારણે દૂર-દૂરના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા નિર્દોષ અરજદારોને ભારે ધરમક્કો થયો હતો અને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. આ અચોક્કસ મુદતની હડતાળ અંતર્ગત આજે રાજ્યની વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર સવારે ૧૦:૩૦ વાગ્યે સફાઈ અભિયાન હાથ ધરીને વિરોધ નોંધાવવાની સાથે ધરણાં યોજવામાં આવશે અને આખો દિવસ ધરણાંનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, અરજદારો અને નાગરિકોનું કહેવું છે કે રેવન્યુ સ્ટાફની આ અચોક્કસ હડતાળના કારણે મહેસૂલી કોર્ટોમાં કોઈ પણ પ્રકારના કેસો ચાલી રહ્યા નથી તેમજ નવી અરજીઓના નિકાલમાં પણ મોટો વિલંબ સર્જાઈ રહ્યો છે. વહીવટી કામગીરી ઠપ થવાથી લોકસેવા પર વિપરીત અસર પડી છે, ત્યારે વહેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ આવે તેવી નાગરિકોમાં પ્રબળ માંગ ઉઠી છે.