BREAKING NEWS

ગોંડલમાં ઉત્તરાયણ લોહીયાળ બની, એક જ સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, એકનું મોત, 4 ઘાયલ

  • January 14, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


ગોંડલ શહેરના ભગવતપરા ગેઈટ વિસ્તારની એક શેરીમાં મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે એક જ સમાજના બે પરિવાર વચ્ચે થયેલી માથાકૂટે ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મકરસંક્રાંતિના દિવસે બન્ને પરિવારના સભ્યો પોતાના-પોતાના ઘરના અગાસી પર પતંગ ચગાવવા ચડ્યા હતા. આ દરમિયાન સામાન્ય બાબતે અને અગમ્ય કારણોસર બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે થોડી જ વારમાં સામસામે મારામારીમાં પરિણમી હતી.



મારામારી દરમિયાન તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થતા બંને પક્ષના કુલ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.



આ ઘટનામાં ઇજાગ્રસ્ત અનિલભાઈ પૂંજાભાઈ લુણસિયા (ઉંમર વર્ષ 30) નામના યુવાનને રાજકોટ લઈ જતી વખતે રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જેના પગલે સામાન્ય મારામારીની ઘટના હવે હત્યાના ગુનામાં ફેરવાઈ ગઈ હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.



ઘટનાની ગંભીરતા જોતા ગોંડલ સિવિલ હોસ્પિટલ તથા ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application