ગુજરાતી ફિલ્મ ટોમ એન્ડ ચેરી આવતીકાલે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ રાંદેરીયા, ધન્ય દોશી, અનુરાગ પ્રપન્ના અને ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ મેહતા આજે ખાસ આજકાલ સાંધ્ય દૈનિકની મુલાકાતે આવ્યા હતા. ટીમે આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે ફિલ્મ વિશે ખાસ ચર્ચા કરી હતી.
સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ટોમ એન્ડ ચેરી ફિલ્મ આવી રહ્યું છે અને તેમાંય રક્ષાબંધન એટલે એક ઉત્સવ બની જશે. જ્યાં આખું ફેમિલી ભેગું થાય, ઉજવણી થાય, બહેન રાખડી બાંધે પછી જમવા જાવ અને ફિલ્મ જોઈને આનંદ કરો. રાઈટ સમયે, રાઈટ પ્રકારની ફિલ્મ આવી છે. કારણ કે, ટોમ એન્ડ ચેરીની વાર્તા છે કે, 10 વર્ષનો છોકરો છે તેનું નામ છે ટોમ અને 70 વર્ષનો ડોશો છે તેનું નામ છે ચેરી. આ બંને ક્યાં સંજોગોમાં મળે છે પછી તેમની દોસ્તી કઈ રીતે શરૂ થાય છે અને દોસ્તી થયા પછી એવો અણધાર્યો વળાંક આવે છે જેને લીધે થ્રીલ અને સસ્પેન્સ ઉભું થાય છે. હાસ્ય ભરપૂર છે. છેવટે અંતમાં એક સરસ મજાનો મેસેજ છે, આ મેસેજ માતા-પિતા, જનરેશન-આલ્ફા અને ઝેન-ઝી માટે છે. રાઈટ પેકેજ સાથેની ફિલ્મ છે. હાસ્ય, રહસ્ય બધુ ગુંથાયેલું છે. ફિલ્મની રિલીઝ તારીખ પર રક્ષાબંધનનો તહેવાર પણ છે.
આ ફિલ્મ મહા-ફેમિલી એન્ટરટેઈનર છે. ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝે આ કૌટુંબિક મનોરંજક ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. ફિલ્મની પ્રમોશનલ ટૂરના ભાગરૂપે દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયા, ધન્ય દોશી, અનુરાગ પ્રપન્ના અને દિગ્દર્શક ધર્મેશ મહેતા સહિત સમગ્ર ટીમે ફિલ્મને રિલીઝ અગાઉથી જ મળી રહેલા ઉત્સાહજનક પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કૌટુંબિક જીવન, સંબંધોની મીઠાશ, ભરપૂર હાસ્ય તથા અનેક અણધાર્યા વળાંકોથી સભર છે. ગુજરાતી ફેમિલી એન્ટરટેનરની આગવી શૈલીને જાળવી રાખીને, આ ફિલ્મ કોમેડી અને ઈમોશનનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. નિર્માતાઓનું કહેવું છે કે વાર્તા તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તહેવારોની મોસમ દરમિયાન આખા પરિવાર સાથે બેસીને જોવા માટે આ એક આદર્શ પસંદગી સાબિત થશે. ફિલ્મનું નિર્માણ ધીયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા ધીયા ફિલ્મવર્ક્સ તથા એચ.જી. પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જ્યારે હરેશ પટેલ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. વિનોદ સરવૈયા અને હુમાયૂન મકરાણી દ્વારા લિખિત આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ દ્વારા વિશાળ સ્તરે રજૂ કરવામાં આવી રહી છે.
ફિલ્મ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, ટોમ એન્ડ ચેરી એક એવી ફિલ્મ છે જે કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ, સંબંધો અને સાથે હોવાના આનંદની ઉજવણી કરે છે. રાજકોટની જનતા તરફથી હંમેશા ગુજરાતી નાટક અને સિનેમાને અદ્ભુત પ્રેમ મળ્યો છે. ટ્રેલરને મળેલા શાનદાર પ્રતિસાદથી મારો ઉત્સાહ બેગણો થઈ ગયો છે અને મને પૂરી આશા છે કે રાજકોટવાસીઓ આ ફિલ્મને તે જ હૂંફ અને પ્રેમથી વધાવી લેશે. આ પ્રાદેશિક વાર્તા મોટા પડદા પર ગુજરાતી સિનેમાને એક નવું અને ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. મને પૂરી આશા છે કે દર્શકો આ ફિલ્મને તે જ હૂંફ અને પ્રેમથી સ્વીકારશે જે રીતે અમે તેને બનાવી હતી.

ભારતીય મનોરંજન ક્ષેત્રના ભવિષ્યમાં પ્રાદેશિક સિનેમા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતી સિનેમાની સમૃદ્ધ વાર્તાકથનની પરંપરા અને સતત વિસ્તરતા દર્શકવર્ગમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. અમારું લક્ષ્ય એવી ફિલ્મો રજૂ કરવાનું છે જે સાંસ્કૃતિક રીતે પ્રામાણિક હોવા સાથે મુખ્ય પ્રવાહના દર્શકોને પણ આકર્ષે. ટોમ એન્ડ ચેરી ગુજરાતી સિનેમા અને સંગીતને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પહોંચાડવાના વિશાળ વિઝનની પ્રથમ કડી છે. 'ટોમ એન્ડ ચેરી' એ ૨૦૨૬ની ગુજરાતી સિનેમાની સૌથી મોટી કૌટુંબિક મનોરંજક ફિલ્મોમાંથી એક છે.
ઝી સ્ટુડિયોની નજર ગુજરાતી ફિલ્મો પરઃ સિદ્ધાર્થ રાંદેરીયા
સિદ્ધાર્થ રાંદેરીયાએ જણાવ્યું હતું કે, આપણા સૌ માટે આનંદની વાત છે કે, આપણા ગુજરાતીઓ દ્વારા ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે. આ ફિલ્મની પસંદગી જ્યારે ઝી સ્ટુડિયો જેવડુ મોટું માતબર પ્રોડક્શન હાઉસ કરે ત્યારે બે વસ્તુઓ પ્રસ્થાપિત કરે છે કે ફિલ્મમાં દમ છે. બીજું એ લોકોની નજર હવે ગુજરાતી ફિલ્મો પર છે. એને ગુજરાતી ફિલ્મોમાં કંઈક પોટેન્સિયલ દેખાય રહ્યું છે કે, આ ભાષાની ફિલ્મો આગળ જઈને કાઠું કાઢશે. હવે પ્રેક્ષકો તરીકે આપણે આપણી ફિલ્મોને ખૂબ વધાવવાની જરૂર છે.

ફિલ્મમાં મારું કેરેક્ટર બહુ ભોળુઃ ધન્ય દોશી
ફિલ્મમાં ટોમનું પાત્ર ભજવતા ધન્ય દોશીએ જણાવ્યું હતું કે, મેં ટોમ એન્ડ ચેરીમાં ટોમનો રોલ નિભાવ્યો છે. મારે માત્ર એટલું જ કહેવું છે કે, આ બહુ જ સરસ એન્ટરટેઇનમેન્ટ મુવી છે. જેને તમે તમારા ભાઈઓ-બહેનો અને આખા ફેમિલી સાથે જોવા જઈ શકો છો. ફિલ્મમાં મારું કેરેક્ટર બહુ ભોળુ અને ઇનોસેન્ટ છે.
એક સરસ પારીવારિક ફિલ્મઃ ધર્મેશ મેહતા
ધર્મેશ મેહતાએ જણાવ્યું હતું કે, મુવી વિશે કહીશ તો એક સરસ પારીવારિક ફિલ્મ છે. આમ તો ઘણી બધી ગુજરાતીમાં જુદા જુદા સબજેક્ટ સાથે સરસ ફિલ્મો આવવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ આ ફિલ્મમાં એક અલગ સબજેક્ટ છે. ફિલ્મમાં 70 વર્ષના ડોશા અને 10 વર્ષ છોકરા મિત્ર થાય છે. બંનેની મિત્રતાની વાત છે. સારા મિત્રો બને છે. એકબીજાના પૂરક બને છે. ત્યારે ફિલ્મમાં એક ટ્વીસ્ટ આવે છે. અંતમાં એક સુંદર મેસેજ છે.