નીલાંજન સમાભાસં રવિ પુત્ર યમાગ્રજન છાયા માર્તડસભૂતં તં નમામી શનૈશ્ર્વરમ....
કેબીનેટ મંત્રી સાંસદ, ધારાસભ્ય સહિતનાં આગેવાનો રહેશે ઉપસ્થિત
આવતીકાલે શનિ જયંતિ જન્મસ્થળ હાથલા ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો તથા લોકડાયરાનું ભવ્ય આયોજન, કેબીનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સહિતનાં આગેવાનો રહેશે ઉપસ્થિત, આવતીકાલે શનિ જયંતિ હોય જન્મસ્થળ હાથલા ખાતે આજથી જ ભકતજનોનો પ્રવાહ આવી રહ્યો છે.
પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા શનિજયંતિ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાયરાનું આયોજન રાત્રે ૯ વાગ્યે કરવામાં આવ્યું છે. આ ડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયક મયુર દવે રમઝટ બોલાવશે. આ ડાયરામાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રીદ્ધિબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જયંતિનો તહેવાર વૈશાખ માસે આવે છે, શાસ્ત્રો અનુસાર એવુ માનવામાં આવે છે કે આ દિવસે સુર્યભગવાન અને માતા છાયાનો પુત્ર શનિનો જન્મ થયો હતો. દ્વારકા જિલ્લાનું હાથલા ગામ શનિદેવનુ જન્મસ્થળ છે અને દેશભરમાંથી ભકતજનો શનિવારે, મંગળવારે અને શનિજયંતિનાં દિવસે દર્શનાર્થે આવતા હોય છે, ખાસ કરીને જેમને શનિની પનોતી હોય તે મામા-ભાણેજ સાથે દર્શન કરે તો તેમને શનિની પનોતીમાંથી રાહત મળે છે.
શનિને કર્મ આપનાર અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જેના લીધે દરેક વ્યકિતનાં જીવનમાં શનિની મહાદશા, સાડાસાતી, આવતી જ હોય છે. પરંતુ શનિદેવની વિધિવત પુજા પાઠ કરવાથી પનોતીમાંથી રાહત મળે છે.
આવતીકાલે હાથલા શનિદેવ મંદિર ખાતે જન્મજયંતિ નિમિતે દર્શન, પ્રસાદી ઘ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો દિવસભર યોજાશે, હાથલા ગામના સરપંચ વિનોદભાઇ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે ૧૦૦ થી વધુ ઘ્વજારોહણ શનિ જન્મજયંતિ નિમિતે ભકતજનો દ્વારા થશે. સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા શનિ મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચા વ્યવસ્થા રાખવામાં આવી છે.