પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયામાં તેલ ચોરીના પ્રયાસ દરમિયાન એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. નાઇજીરિયાના એક પર્યાવરણ જૂથે દાવો કર્યો છે કે, ઓઇલ પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી ઓછામાં ઓછા 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. 'યુથ્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એડવોકેસી સેન્ટર' ના જણાવ્યા અનુસાર, આ દર્દનાક દુર્ઘટના ગુરુવારે મધ્યરાત્રિના આસપાસ નાઇજીરિયાના રિવર્સ રાજ્યના ઓક્રિકા વિસ્તારમાં બની હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ, ઓકારી જેટી પર એક મોટા જહાજમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ ભરવામાં આવી રહી હતી. તે જ સમયે કેટલાક શંકાસ્પદ ચોરોએ પાઇપલાઇનમાં હાઇ પ્રેશર ધરાવતા પેટ્રોલિયમ ઉત્પાદનને ગેરકાયદેસર રીતે પોતાની નાની બોટ અને કેનની અંદર ભરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચોરી દરમિયાન પાઇપલાઇનમાંથી અચાનક તીવ્ર અને ઝેરી ગેસનું લીકેજ શરૂ થઈ ગયું હતું. ગેસની ચપેટમાં આવતાં જ ઘટનાસ્થળે હાજર લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. સ્થાનિક સંસ્થાનું કહેવું છે કે હજુ પણ ઘણા લોકો લાપતા છે અને નજીકની નદીમાં કેટલાક મૃતદેહો તરતા જોવા મળ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતોના મોત કચાસ અથવા હાઇ પ્રેશર ક્રૂડ ઓઇલ ચોરવાના આયોજન દરમિયાન થયા છે. નાઇજર ડેલ્ટા વિસ્તારમાં ક્રૂડ ઓઇલની ચોરી અને પાઇપલાઇનમાં તોડફોડ કરવાની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લાંબા સમયથી એક ગંભીર અને કાયમી સમસ્યા બની ગઈ છે. ઓક્ટોબર 2023 પછી આ વિસ્તારમાં આ પ્રકારની આ સૌથી મોટી ઘટના છે જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો અને પર્યાવરણીય પ્રદૂષણ થાય છે, જેનાથી નાઇજીરિયાના ઓઇલ ઉદ્યોગને પણ ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.
બીજી તરફ, સુરક્ષા એજન્સીઓએ આ ઘટના અંગે ત્વરિત તપાસ શરૂ કરી દીધી છે. રિવર્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, ઘટના સાથે જોડાયેલી તમામ પરિસ્થિતિઓ અને તથ્યોની પુષ્ટિ કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. નાઇજીરિયા સિક્યુરિટી એન્ડ સિવિલ ડિફેન્સ કોર્પ્સે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મૃત્યુઆંક અને ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા ચકાસવામાં આવી રહી છે. તેમજ ઘટનામાં કયા રાસાયણિક પદાર્થનું ગળતર થયું હતું તેનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક કક્ષાએ થયેલી કોઈપણ ગુનાહિત બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.