BREAKING NEWS

દારૂ પી કાર હંકારતા ટ્રાફિકશાખાના ASI ઝડપાયા, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પર ચેકિંગમાં પોલીસની ઝપટે ચડ્યા

  • November 10, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં તાજેતરમાં બનેલી હત્યા- ફાયરિંગ સહિતની ગંભીર ઘટનાઓ બાદ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી શહેર પોલીસ દ્વારા રાત્રીના કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને દારૂ પી વાહન ચલાવનાર વાહન ચાલકો અને છરી લઈ સાથે ફરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસની આ ચેકિંગ કાર્યવાહી દરમિયાન ગઈકાલે ટ્રાફિક શાખાના એએસઆઇ નશાની હાલતમાં કાર લઇ નીકળતા પોલીસની ઝપટે ચડી ગયા હતાં. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પોલીસે રાત્રીના ચેકિંગ દરમિયાન દારૂ પી વાહન ચલાવનાર ૨૦ શખસો અને છરી લઈ સાથે ફરતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા તે સિવાય દેશી દારૂના પણ બે કેસ કર્યા હતા.


રાત્રીના શહેરના મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર સઘન ચેકિંગ

ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રાત્રીના શહેરના મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ચેકિંગ દરમિયાન ખાસ કરીને દારૂ પી વાહન ચલાવનાર વાહનચાલકો અને છરી સાથે લઈ ફરતા શખસો વિરુદ્ધ ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


એએસઆઇ નશાની હાલતમાં મળ્યા

શહેર પોલીસે ગઈકાલે ચેકિંગ દરમિયાન શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પર સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન પાસે કાર લઇ નીકળેલા ચાલકને અટકાવી તેની પૂછતાછ કરતા તેનું નામ જેન્તીભાઈ મેઘજીભાઈ સોંદરવા હોવાનું અને તેઓ રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા હોય અને રાજકોટ ટ્રાફિક શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હોવાનું માલુમ પડ્યું હતું. પુછપરછ દરમિયાન એએસઆઇ નશાની હાલતમાં હોવાનું જણાતા એએસઆઇ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


નશાની હાલતમાં ૨૦ અને છરી સાથે ૧૦ શખસોને ઝડપી લીધા

આ સિવાય શહેર પોલીસે ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં ૨૦ અને છરી સાથે ૧૦ શખસોને ઝડપી લીધા હતાં. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા કેસની વિગત મુજબ, એ ડિવિઝન પોલીસે ત્રણ, બી ડિવિઝનને ચાર, ભક્તિનગર ત્રણ, માલવિયાનગર ચાર, પ્રદ્યુમનનગર પોલીસે ચાર, યુનિવર્સિટી પોલીસે બે, ગાંધીગ્રામ એક, આજીડેમે ચાર અને થોરાળા પોલીસે ચાર કેસ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application