BREAKING NEWS

જામનગર : કલેકટર કચેરી, પોલીસ હેડકવાર્ટર, જામસાહેબના બંગલાવાળા માર્ગ પર પણ ગેપ સર્જે છે ટ્રાફીક

  • December 11, 2025 05:11 PM 



જામનગરમાં સતત ટ્રાફીકથી ધમધમતા મુખ્ય માર્ગો પર ક્રોસીંગ એટલે કે ગેપની હારમાળાથી દિવસમાં છાશવારે ચકકાજામથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. આ માર્ગોમાં ગેપની હારમાળાથી મહાનગરપાલીકાની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠ્યા છે તો આ ગેપ બુરવામાં રાજકીય અડચણની ચોમેર ચર્ચા થઇ રહી છે. ત્યારે શહેરના શરૂ  સેકશન માર્ગ કે જયાં જામસાહેબનું નિવાસ સ્થાન આવેલું છે તે માર્ગ પર ચારથી વધુ ગેપ હોય ટ્રાફીકજામની સમસ્યા રોજીંદી બની છે. બીજી બાજુ આ માર્ગ પર ખાનગી કંપનીઓની બસની સતત અવરજવર હોય ગેપના કારણે અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. આમ છતાં આ ગેપ બુરવામાં મહાનગર પાલીકાને કોની શરમ નડે છે તે સળગતો સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે.


જામનગરમાં વસતી વધવાની સાથે વાહનોની સંખ્યા જેટ ગતિએ વધી છે. પરંતુ તેની સામે શહેરના માર્ગો પર ટ્રાફીક નિયમનમાં તંત્ર મહદઅંશે નિષ્ફળ રહેતા ટ્રાફીકજામની સમસ્યાએ શહેરની ઓળખ બનતી જાય છે. આ સમસ્યાથી શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. ત્યારે આ સમસ્યા નિવારી શકાય છે. પરંતુ તંત્રની દાનત ન હોય તેવી સ્થિતિ માર્ગો પર પ્રર્વતી રહી છે. કારણ કે, શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફીકજામનું એક મુખ્ય કારણ વચ્ચે આવેલા એકથી વધુ ગેપ એટલે કે ક્રોસીંગ છે. આ મુદે આજકાલ દ્રારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ટ્રાફીકથી અતિ વ્યસ્ત ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ કે જેમાં ૧૦ ગેપ અને ત્યારબાદ પીએન માર્ગમાં અંબર સર્કલથી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સુધીમાં ગેપની હારમાળાથી રોજ ચકકાજામ થતો હોવાનો અહેવાલ તસ્વીર સાથે પ્રસિઘ્ધ કરાયો હતો. 


ત્યારે આવી જ ટ્રાફીકજામની સ્થિતિ શહેરમાં વાહનોથી સતત ધમધમતા શરૂ સેકશન માર્ગની છે. ઓશવાળ સેન્ટરના ગેઇટ સામેથી શ‚ થઇને ૫ંચવટી સુધીના શ‚ સેકશન માર્ગ પર પણ ગેપ એટલે કે ક્રોસીંગની ભરમારથી ચકકાજામના દ્રશ્યો રોજીંદા બન્યા છે. આ માર્ગ પર જામસાહેબનું નિવાસ સ્થાન, સરકારી વસાહત,  મહેસૂલ સેવા સદન, કલેકટર કચેરી, પોલીસ હેડ કર્વાટર તેમજ અન્ય વસાહતો તથા ઓફીસો અને દુકાનો આવેલી છે. ત્યારે આ માર્ગ પર પ્રથમ ગેપ ગાયત્રી શકિતપીઠ અને અન્ય સોસાયટી તરફ જવાનો આવે છે. આ ગેપમાં વાહનો બંને બાજુથી ટર્ન લેતા હોય ટ્રાફીકની સાથે અકસ્માતનો ખતરો રહે છે. ત્યારબાદ પેટ્રોલપંપ સામે સત્યસાંઇ તથા સ્વસ્તિક સોસાયટી, વાલકેશ્ર્વરી નગરી તરફનો ગેપ આવે છે.

​​​​​​​


 આ ગેપમાં પણ માર્ગની બંને બાજુથી વાહનો વળાંક લેતા હોય સતત ટ્રાફીકની સમસ્યા પ્રર્વતી રહી છે. આ ગેપ પછી સરકાર આવાસ અને ગોલ્ડન સીટી તરફ જવા માટે ક્રોસીંગ આવે છે. તેમાં પણ વાહનોની સતત અવરજવર રહેતી હોય આ ગેપ જોખમી બન્યો છે. તે બાદ મહેસૂલ સેવા સદન પાસે ગેપ આવે છે. જયાં પણ ટ્રાફીકની સતત સમસ્યા રહે છે. ત્યારબાદ ખાનગી શાળા સુધીના માર્ગ પણ ગેપથી આ માર્ગ પર ચક્કાજામથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને આ માર્ગ પર ખાનગી કંપનીઓની બસની દિવસભર અવરજવર રહેતી હોય ટ્રાફીક સમસ્યાએ માઝા મૂકી છે. જેના કારણે વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે.ત્યારે અન્ય માર્ગની જેમ આ માર્ગ પરના ગેપ બુરવામાં મનપાને કોઇ રાજકીય દબાણ કે શરમ નડે છે તે સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે. 



માર્ગ પર રખડતા ઢોરના ત્રાસથી બેવડાતી મુશ્કેલી, વાહનચાલકો, રહેવાસીઓ ત્રાહીમામ...

શહેરના શરૂ સેકશન માર્ગ પર છાશવારે રખડતા ઢોરના અડીંગા જોવા મળે છે. જેના કારણે આ માર્ગ પર ગેપના કારણે ટ્રાફીક જામનથી સાથે રખડતા ઢોરના ત્રાસથી લોકોની મુશ્કેલી બેવડાઇ છે. માર્ગ પર છાશવારે ટ્રાફીકજામની સાથે રખડતા ઢોરના અડીંગાથી વાહનચાલકો અને રહેવાસીઓ રીતસર ત્રાહીમામ પોકારી ગયા છે. આમ છતાં મહાનગરપાલીકા દ્રારા ગેપ ન બુરાતા તથા રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણમાં ઉદાસીનતા દાખવતા તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. ​​​​​​​


માર્ગ વચ્ચે ઘટાટોપ વૃક્ષોથી વળાંક સમયે બીજી બાજુથી આવતા વાહનો દેખાતા નથી, ગોઝારા અકસ્માતની ભીતિ

શહેરના શરૂ સેકશન રોડ પર મહાનગરપાલીકા દ્રારા માર્ગ વચ્ચેના ડીવાઇડરમાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાંથી મોટા ભાગના વૃક્ષો વધતા એટલે કે ઘટાટોપ બન્યા છે. આ માર્ગ પર વૃક્ષોનું ટ્રીમીંગ મનપા દ્રારા નિયમતિ કરવામાં આવતું નથી. કારણ કે આ માર્ગમાં આવેલા વૃક્ષો ઘટાટોપ બનતા ગેપમાં વાહનોના ટર્ન વખતે માર્ગની સામેની બાજુથી આવતા વાહનો ચાલકોને દેખાતા નથી. આથી ગોઝારા અકસ્માતની ભીતિ પણ ઉભી થઇ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application