BREAKING NEWS

જામનગર  : ગુલાબનગર,જનતા ફાટક માર્ગ પર ગેપથી ટ્રાફીકની અંધાધૂધી

  • December 13, 2025 12:22 PM 



જામનગરના અન્ય માર્ગોની સાથે ગુલાબનગર અને જનતાફાટકના મહત્વના માર્ગ પર પણ ગેપથી દરરોજ ટ્રાફીકની અંધાધૂધી સર્જાઇ રહી છે. ટ્રાફીકથી ધમધમતા મુખ્ય માર્ગો પર મનપા દ્રારા મૂકાયેલા આડેધડ ગેપથી રોજ ટ્રાફીક જામમાં અટવાતા સમય અને નાણાંનો વેડફાટ થતા શહેરીજનો અમારો વાંક શું તે સવાલ તંત્રને કરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, વસ્તીની સાથે વાહનના વિસ્ફોટથી માર્ગમાં મૂકાયેલા ગેપ બુરી ટ્રાફીક સમસ્યા હળવી કરવાને બદલે શહેરીજનોનુું જે થવું હોય તે થાય તેવી મનપાની કાર્યપ્રણાલીથી લોકોમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઇ છે. 


જામનગરમાં ટ્રાફીક સમસ્યા એટલી હદે વકરી છે કે, તે યુઘ્ધના ધોરણે કાયમી ઉકેલાઇ તેવી કોઇ શકયતા હાલમાં દેખાતી નથી. જો કે, આ સમસ્યા મહાનગરપાલીકા અને અન્ય સંબંધીત તંત્રના પાપે વકરી છે જે સર્વવીદીત છે. એવું નથી કે, શહેરમાં કેન્સરની જેમ વકરેલી ટ્રાફીક સમસ્યાને હળવી ન કરી શકાય. પરંતુ આ સમસ્યા ઓછી થાય તે માટે ઇચ્છાશકિત અને દાનત તંત્રની નથી. કારણ કે, શહેરના ટ્રાફીકથી અતિ વ્યસ્ત મુખ્ય માર્ગો પર આડેધડ ગેપ મૂકવામાં આવતા વાહનો ગમે ત્યારે બંને બાજુથી ટર્ન લેતા ચકકાજામની સમસ્યા સર્જાઇ રહી છે. આજકાલ દ્રારા આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.



 શહેરીજનોની સમસ્યા નિવારવા શરૂ કરાયેલી ઝુંબેશમાં પ્રથમ ખોડીયાર કોલોનીથી દીગ્જામ સર્કલ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ, શરૂ સેકશન માર્ગ કે જયાં જામસાહેબનો બંગલો, કલેકટર કચેરી, પોલીસ હેડકર્વાટર, ગર્વમેન્ટ કોલોની આવેલી છે અને અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટ યાર્ડ સુધીના માર્ગમાં ગેપ એટલે ક્રોસીંગની હારમાળાથી રોજ હજારો વાહનચાલકો ટ્રાફીકજામનો ભોગ બની રહ્યા છે તો અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. આમ છતાં મહાનગરપાલીકાના પદાધિકારીઓ અને અધિકારીઓ શહેરીજનો જે રોજની ટ્રાફીક સમસ્યાથી પીડા અનુભવી રહ્યા છે તેના પ્રત્યે આંખ આડા કાન કરતા અનેક સવાલ ઉઠ્યા છે.


શહેરમાં ટ્રાફીક સમસ્યાની કપરી સ્થિતિમાં અન્ય બે માર્ગમાં પણ ગેપથી ટ્રાફીકની અંધાધૂધીથી વાહનચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. જેમાંનો એક માર્ગ છે. ગુલાબનગરથી સુભાષબ્રીજ સુધીનો માર્ગ. કે જેમાં ગુલાબનગર ઢાળિયા પછી  શહેરના પ્રવેશદ્રારના બોર્ડ સુધીના માર્ગમાં બે ગેપ મૂકવામાં આવ્યા છે. આ માર્ગ પર બંને બાજુ પાનની દુકાનો, ચાની હોટલો અને અન્ય ઓફીસો તથા પેટ્રોલપ પંપ  આવેલો હોય વાહનચાલકો ગમે તે સમયે ટર્ન લે છે. આટલું જ નહીં રાજકોટ જવા માટેનો આ મુખ્ય માર્ગ હોય એસટી તેમજ ખાનગી બસ તેમજ મનપાની સીટી બસ પણ દોડે છે. ત્યારે આ બે ગેપના કારણે રોજ પારવાર ટ્રાફીક સમસ્યા સર્જાઇ છે. જયારે અન્ય માર્ગ છે, સાત રસ્તા સર્કલથી જનતાફાટક થઇ ગોકુલનગર સુધીનો માર્ગ. આ માર્ગ પર અટલ ભવન એટલે કે જિલ્લા ભાજપ કાર્યાલય, ફાયર સ્ટેશન સહીત દુકાનો અને ઓફીસ, આધોગીક એકમો તથા રહેણાંક મકાનો આવેલા છે.


આમ છતાં આ માર્ગ પર અણધડ અને મનસ્વી રીતે ગેપ એટલે કે ક્રોસીંગ મૂકવામાં આવ્યા છે. જેના કારણે ટ્રાફીક સમસ્યા બેકાબૂ બની છે. ત્યારે આ માર્ગ પણ ટ્રાફીકની અંધાધૂધીથી આ માર્ગ અકસ્માત ઝોન બની રહ્યાની ફરિયાદો લોકોમાં ઉઠી છે. ત્યારે મહત્વના માર્ગમાં બીનજરૂરી ગેપ બુરવાને બદલે મહાનગરપાલીકા તમાશો જોઇ રહી હોય તેમ મૌન સેવતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

​​​​​​​


જનતાફાટક અને સમર્પણ સર્કલ પર દરરોજ છાશવારે ટ્રાફીકજામ 

જામનગરમાં સાત રસ્તા સર્કલથી ગોકુલનગર તરફના માર્ગ પર જનતાફાટક સર્કલ કે જયાં ચાર માર્ગ ભેગા થાય છે. આ સર્કલમાં કોઇપણ પ્રકારનું ટ્રાફીક નિયમન  કરવામાં આવતું નથી. આટલું જ નહીં સર્કલ હોવા છતાં થોડા અંતરે પુન: ગેપ મૂકવામાં આવ્યા છે. જે ખરેખર નવાઇની વાત છે. આ જ રીતે સમર્પણ સર્કલ કે જયાંથી જુદા-જુદા પાંચ માર્ગ તરફ જઇ શકાય છે. આ સર્કલ પણ પણ ટ્રાફીક સુચારૂ ટ્રાફીક નિયમનના અભાવે ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


બંને માર્ગ પર રખડતા ઢોરના અડીંગાથી બેવડાતી મુશ્કેલી, જીવલેણ દુઘર્ટનાની ભીતિ

જામનગરમાં સાત રસ્તા સર્કલથી જનતાફાટક થઇ ગોકુલનગર તરફના માર્ગ પર અને ગુલાબનગર માર્ગ પર શહેરના પ્રવેશદ્રાર સુધી ગેપના કારણે ટ્રાફીકજામથી શહેરીજનો રીતસર ત્રાસી ગયા છે. ત્યારે આ ગંભીર સમસ્યા વચ્ચે બંને માર્ગ પર રખડતા ઢોરના અડીંગાથી વાહનચાલકોની મુશ્કેલી બેવડાઇ રહી છે. ટ્રાફીકજામ વચ્ચે રખડતા ઢોરના અડીંગાથી જીવલેણ દુઘર્ટનાની ભીતિ પણ છે. ત્યારે કોઇ ગોઝારો અકસ્માત થશે તો જવાબદાર કોણ તે સવાલ શહેરીજનોમાં ઉઠયો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application