રાજકોટમાં લોકમેળાનો ગઈકાલથી પ્રારંભ થતાં જ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે, મેળાના પ્રથમ દિવસે જ રેસકોર્સ આસપાસના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાની કસોટી થઈ હતી. પારસી અગિયારી ચોક, કિશનપરા ચોક, એરપોર્ટ ફાટક પાસેનો ચોક સહિતના વિસ્તારોમાં વાહનોની સંખ્યા વધતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકો લાંબી કતારોમાં ફસાયા હતા.લોકમેળામાં આવતા લોકોના વાહનોનો પ્રવાહ વધતાં રેસકોર્સ તરફના માર્ગો પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે મેળામાં જતાં તેમજ શહેરના અન્ય વિસ્તારો તરફ પસાર થતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લોકમેળાના પ્રથમ દિવસે જ સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર ન બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરવું જરૂરી બન્યું છે. ખાસ કરીને રેસકોર્સ તરફ આવતા મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ, પોલીસ કર્મચારીઓની વધારાની તૈનાતી તથા જરૂરિયાત મુજબ વાહનવ્યવહારને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવી પડશે.આજે સાતમ અને આવતીકાલે આઠમનો તહેવાર હોવાથી લોકમેળામાં ચિક્કાર જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા પહોંચશે. જેના પગલે વાહનોનો ધસારો પણ વધશે. આવી સ્થિતિમાં ગઈકાલ જેવી ટ્રાફિકની સમસ્યા વધુ ન વકરે તે માટે ટ્રાફિક પોલીસની અસરકારક અને સ્થળ પર હાજર કામગીરી જરૂરી બની છે. મેળાની મોજ માણવા નીકળેલા શહેરીજનોને ટ્રાફિકના મેળામાં ન ફસાવવું એ હવે ટ્રાફિક તંત્ર માટે મોટો પડકાર છે.