BREAKING NEWS

અમેરિકામાં ટ્રેકિંગ પર ગયેલા ભારતીય મૂળના PhD વિદ્યાર્થીનું કરૂણ મોત: 2 દિવસ બાદ જંગલના તળાવમાંથી મળ્યો મૃતદેહ

  • August 07, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના કેલિફોર્નિયામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા બાર્બરા (UCSB) માં અભ્યાસ કરતા ભારતીય મૂળના PhD વિદ્યાર્થી વિક્રમ મુબાયીનું હાઇકિંગ (ટ્રેકિંગ) દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે.


તેઓ વીકેન્ડમાં એકલા જ હાઇકિંગ ટ્રિપ પર ગયા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. શોધખોળ અભિયાન બાદ ઇન્યો નેશનલ ફોરેસ્ટ વિસ્તારમાં આવેલી એક તળાવ (લેક) માંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ દુઃખદ અકસ્માત અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.


યુસીએસબી (UCSB) ના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં રિસર્ચ કરી રહેલા વિક્રમ મુબાયી વીકેન્ડ પર કેલિફોર્નિયાના ઇન્યો નેશનલ ફોરેસ્ટમાં આવેલા 'બિગ પાઇન લેક્સ' વિસ્તારમાં એકલા હાઇકિંગ કરવા ગયા હતા.


સ્ટુડન્ટ પબ્લિકેશન 'ડેઇલી નેક્સસ'ના અહેવાલ મુજબ, વિક્રમે ૧ ઓગસ્ટની રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે છેલ્લી વાર પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. તે સમયે તેમણે પરિવારજનો સાથે પોતાની જીપીએસ (GPS) લોકેશન પણ શેર કરી હતી. પરંતુ જ્યારે તેઓ નક્કી કરેલા સમયે પરત ન ફર્યા અને તેમનો કોઈ સંપર્ક ન થઈ શક્યો, ત્યારે ચિંતિત પરિવારે 'ઇન્યો કાઉન્ટી સર્ચ એન્ડ રેસ્ક્યૂ' ટીમને જાણ કરી હતી.


બે દિવસ ચાલેલા સર્ચ ઓપરેશન બાદ મળ્યો મૃતદેહ
પરિવારની સુચના બાદ કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ અને સર્ચ ટીમે જંગલમાં સઘન શોધખોળ ઓપરેશન શરૂ કર્યું હતું. અથાક પ્રયાસો બાદ ૩ ઓગસ્ટની સાંજે રેસ્ક્યૂ ટીમને જંગલ વિસ્તારમાં આવેલી ઝીલ (તળાવ) માંથી વિક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ અધિકારીઓએ હાલમાં મૃત્યુના ચોક્કસ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ કે અણબનાવના સંકેત મળ્યા નથી. હાલ મૃત્યુના સંજોગો અંગે વધુ તપાસ ચાલી રહી છે.


અનુભવી હાઇકર અને હોંશિયાર સંશોધક હતા વિક્રમ
વિક્રમ મુબાયીનો જન્મ અને ઉછેર હોંગકોંગમાં થયો હતો. તેમના પરિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વિક્રમ એક ખૂબ જ અનુભવી હાઇકર હતા. તેમને આઉટડોર રમતો અને સાઇકલિંગનો ભારે શોખ હતો.


વિક્રમે ૨૦૨૨ માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેઇનથી કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તે સમયે તેમણે બર્ક લેબમાં રિસર્ચ અને ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે પણ સેવા આપી હતી. હાલમાં તેઓ UCSB માં પેટ્રોલીયમના ટકાઉ સસ્ટેનેબલ વિકલ્પો પર મહત્વપૂર્ણ સંશોધન કરી રહ્યા હતા. તેમનો મુખ્ય વિષય બેક્ટેરિયા અને છોડ દ્વારા પ્લાસ્ટિક તથા જૈવિક કચરાને કુદરતી રીતે ઓગાળવાનો (ડીકમ્પોઝ કરવાનો) હતો. એક હોંશિયાર ભારતીય સંશોધકના અકાળે અવસાનથી શૈક્ષણિક જગતમાં અને પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application