ગોંડલ શહેરના આશાપુરા ડેમ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે.ડેમમાં નાહવા પડેલા 7 વર્ષના બાળકને બચાવવા જતાં 19 વર્ષીય યુવાન કાકા પણ પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે બંને કાકા-ભત્રીજાના કરુણ મોત નીપજ્યા છે.આ દુર્ઘટના તા. 13 સપ્ટેમ્બર 2026 ની સાંજે 6 થી 7 વાગ્યા વચ્ચે ગોંડલના આશાપુરા ડેમ બની હતી. આશાપુરા ગાર્ડન પાસે નવા બની રહેલા સ્પોર્ટ્સ સંકુલમાં મૂળ દાહોદ જિલ્લાના કંબોઈ ગામના વતની અને અહીં મજૂરી કામ કરતા પરિવારના અવિનાશ અનિલભાઈ કટારા (ઉં.વ. 7) અને તેના કાકા રામુ મગનભાઈ લીંબા (ઉં.વ. 19) આશાપુરા ડેમ કાંઠે ગયા હતા.
ડેમ કાંઠે બેસીને નાહતી વખતે 7 વર્ષના અવિનાશનો અકસ્માતે પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. બાળકને બચાવવા માટે કાકા રામુ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણી વધુ ઊંડું હોવાને કારણે બંને બહાર આવી શક્યા નહોતા અને ડૂબી ગયા હતા.પરિવાર પર વજ્રઘાત મૃતક રામુના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલા જ થયા હતા, જેથી પરિવારમાં હજુ ખુશીનો માહોલ હતો ત્યાં જ આ વજ્રઘાત સમાન દુર્ઘટના સર્જાઈ હતી. ઘરના બે સભ્યોના એકસાથે આકસ્મિક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું છે. તંત્રની રાહત અને બચાવ કામગીરી દુર્ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાના ઉપ પ્રમુખ મનીષભાઈ રૈયાણી, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમના કિશોરભાઇ ગોહેલ, જયેશભાઇ સોજીત્રા, વિજયસિંહ ચુડાસમા, અભીરાજ જાડેજા, જયરાજસિંહ ચુડાસમા, જગદીશભાઇ પનીયાણી સહિત ની ટીમે ભારે જહેમત અને શોધખોળ બાદ 7 વર્ષીય અવિનાશ અને 19 વર્ષીય રામુના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.એસ. ગઢવી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application