પોલેન્ડના ડાંસ્ક શહેરમાં ગુરુવારે એક મોટી અને ભયાનક રેલ દુર્ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પર અચાનક બંધ પડી ગયેલા એક ટ્રક સાથે ઝડપભેર આવી રહેલી ટ્રેન સટાટોસટી અથડાઈ હતી. આ જોરદાર ટક્કરમાં ટ્રકનો કચડઘાણ વળી ગયો હતો અને ટ્રેનને પણ નુકસાન પહોંચ્યું હતું. ગ્ડાન્સ્ક સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવી (CCTV) ફૂટેજમાં અકસ્માતની આ ભયાનક તસવીરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં ક્ષતિગ્રસ્ત પીકેપી ઇન્ટરસિટી ટ્રેન અને સંપૂર્ણપણે નાશ પામેલો ટ્રક ડાંસ્ક લિપ્સે સ્ટેશન નજીક ઊભેલા દેખાય છે.
ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે આશરે 12:30 વાગ્યે આ ભીષણ અકસ્માત અંગેની ઇમરજન્સી માહિતી મળી હતી. ગ્ડિનિયાથી ઝિલોના ગોરા તરફ જઈ રહેલી આ ઇન્ટરસિટી ટ્રેનમાં અકસ્માત સમયે આશરે 300 જેટલા મુસાફરો સવાર હતા. ઘટનાની ગંભીરતા છતાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને અકસ્માત બાદ તમામ 300 મુસાફરો સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર નીકળી આવ્યા હતા, જેનાથી વહીવટીતંત્રે મોટો રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ મેડિકલ રેસ્ક્યૂ ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઇમરજન્સી ટીમે પ્રાથમિક તબક્કે 4 લોકોની તાત્કાલિક તબીબી તપાસ કરી હતી, જેમાં ટ્રક ડ્રાઇવર, ટ્રેન કંડક્ટર અને 2 મુસાફરોનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ટ્રક ડ્રાઈવરને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ભયાનક અકસ્માતના કારણે આ રૂટ પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને તેમની મંઝિલ સુધી પહોંચાડવા માટે તાત્કાલિક વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને ત્ચેવ શહેર તરફ રવાના કરવામાં આવ્યા હતા.
પોલિશ રેલવે લાઇન્સ એસએ (PKP PLK SA) દ્વારા આ અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોમાં જાગૃતિ લાવી શકાય. રેલવે વિભાગે તમામ વાહનચાલકોને કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો ક્યારેય પણ તમારું વાહન રેલવે ક્રોસિંગ પર બંધ પડી જાય અથવા બેરિયર વચ્ચે ફસાઈ જાય, તો ટ્રેન નીકળવાની રાહ જોયા વિના તાત્કાલિક વાહન છોડીને સુરક્ષિત જગ્યાએ ખસી જવું જોઈએ.