કામગીરીનું ઓછું ભારણ ધરાવતી પેટા ટ્રેઝરી કચેરીઓ મોટા પ્રમાણમાં બંધ કરીને નજીકની જ્યાં કામનું વધુ ભારણ છે તેવી ટ્રેઝરી કચેરીઓમાં વિલીન કરાયા બાદ હવે આ વિભાગમાં ટ્રાન્સફર અને પ્રમોશનનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા ગઈકાલે મોડી રાત્રે 195 અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને 119 જેટલા પેટા હિસાબનીશ સબ ઓડિટર ગ્રુપ સંવર્ગના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સ્થાનિક ભંડોળ હિસાબ કચેરી, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, સ્પીપા, જુદી જુદી નગરપાલિકાઓ, વિદ્યુત વિભાગની કચેરીઓ વગેરેમાં નાયબ હિસાબનીશની અને હિસાબનીશની ખાલી પડેલી જગ્યાઓ આ મુજબ ટ્રાન્સફર અને પ્રમોશનથી ભરવામાં આવી છે. જે 119 ને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમને સાતમા પગાર પંચ મુજબના પે મેટ્રિક્સ લેવલ છ રૂપિયા 35,400- 1,12,400 નું પગાર ધોરણ લાગુ પડશે. જોકે આ બઢતીઓ હંગામી ધોરણે આપવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. ભવિષ્યમાં કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રમોશન ચાલુ રાખવા કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે.
બદલી અને પ્રમોશનના આ હુકમમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે અધિકારી અત્યારે મતદારી યાદી સઘન સુધારણા કામગીરીમાં રોકાયેલા હોય તેમને હાલ પ્રમોશન કે ટ્રાન્સફરની અમલવારી કરવાની રહેશે નહીં અને કામગીરી પૂરી થયા પછી પ્રમોશન અને ટ્રાન્સફર બાબતે અમલ કરવાનો રહેશે.
અન્ય કિસ્સાઓમાં જે અધિકારીઓની ટ્રાન્સફર અથવા તો પ્રમોશનના ઓર્ડર થયા છે તેમને તાત્કાલિક સાથે છુટા કરવા અને નવી જગ્યાએ હાજર થાય ત્યારે હિસાબ અને તિજોરી નિયામકની કચેરીએ જાણ કરવાની રહેશે.