ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં 5 સપ્ટેમ્બરના રોજ રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરીને 7 ઉચ્ચ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ તબક્કાવાર બદલીઓમાં મહત્વના શહેરો અને વિભાગોમાં નવા અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ રાજ્યની વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવાનો છે.
આ ફેરફારો અંતર્ગત મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા સંજીવ કુમારને ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ (GNFC)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકેનો વધારાનો પ્રભારી હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ આ જવાબદારી રાજકુમાર બેનિવાલ સંભાળી રહ્યા હતા. બેનિવાલની અન્યત્ર બદલી થતાં હવે આ મહત્વપૂર્ણ ઔદ્યોગિક એકમનો હવાલો સંજીવ કુમાર હસ્તક રહેશે.
બીજી તરફ, રાજકુમાર બેનિવાલને GNFCના MD પદેથી બદલી કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ માટે તેમની સેવાઓ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગને સોંપાઈ છે. તેઓ સુરતના હાલના મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર પાસેથી આ પદનો વધારાનો હવાલો સંભાળશે. નોંધનીય છે કે, રાજકુમાર બેનિવાલ અગાઉ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)માં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

રેવન્યુ વિભાગમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિશિયો સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રાજેશ માંઝુની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે ફાઇનાન્સ વિભાગના સેક્રેટરી (એક્સપેન્ડિચર) જેનુ દેવનને તેમની વર્તમાન કામગીરી સાથે રાજેશ માંઝુની જગ્યાએ રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિશિયો સેક્રેટરીનો વધારાનો પ્રભારી હવાલો સોંપાયો છે.
શહેરી વિકાસ વિભાગમાં રેમ્યા મોહન મુથાદથને નવી જવાબદારી સોંપાઈ છે. તેઓ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનર, GUDCના એક્સ-ઓફિશિયો MD અને GUDM ના એડિશનલ CEO તરીકે સેવા આપતા હતા. હવે તેમની બદલી કરીને અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ હેઠળ હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાતના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વધુમાં, રચિત રાજને ગાંધીનગર ખાતે ટ્રાઇબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ આશિષ કુમાર પાસેથી જવાબદારી સંભાળશે. જોકે, રચિત રાજ ડિરેક્ટર, શેડ્યૂલ્ડ કાસ્ટ્સ વેલફેરનો વધારાનો હવાલો હાલ પૂરતો યથાવત રાખશે. આ સિવાય, હર્ષિલ આર. મીણાને મહેસાણાના નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિમણૂક અપાઈ છે, જેઓ પી.બી. રાઠોડ પાસેથી આ હોદ્દાનો પ્રભારી હવાલો સંભાળશે.