બાળકોને સ્કૂલે પહોંચાડતું ટ્રાન્સપોર્ટેશન ૧૦ ટકા મોંઘુ; જૂન શત્રથી અમલ
બાળકોને સ્કૂલે પહોંચાડતું ટ્રાન્સપોર્ટેશન ૧૦ ટકા મોંઘુ; જૂન શત્રથી અમલ
May 28, 2026 09:29 AM
રાજકોટના શહેરીજનોના ખિસ્સા પર વધુ એક બોજ આવી રહ્યો છે. આગામી દિવસોમાં જૂન મહિનાથી સ્કુલનું નવું શત્ર શરૂ થઈ રહ્યું છે. નવા શરૂ થઈ રહેલા શત્રમાં સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ સ્કૂલવાન એસોસિએશનએ એક પરિપત્ર જાહેર કરી નવા ભાડા જાહેર કર્યા છે. સ્કૂલ રિક્ષાનું એક મહિનાનું ભાડું ૧૦૦૦ રૂપિયા હતું જે હવે વધીને ૧૧૦૦ થી ૧૧૫૦ રૂપિયા થઈ જશે. જ્યારે સ્કૂલવાનનું એક મહિનાનું ભાડું ૧૨૦૦ રૂપિયા હતું જે વધીને ૧૪૦૦ રૂપિયા થઈ જશે. રાજકોટમાં આશરે ૨૬૦ જેટલા એસોસિએશનના સભ્યો છે. જેમાં સ્કૂલવાન અને રિક્ષા મળીને કુલ ૪૫૦૦ જેટલા વાહનો ચાલી રહયા છે. તેની સામે આશરે ૪૦ થી ૪૫ હજાર જેટલા વિધાર્થીઓ સ્કૂલવાન અને રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે. એનો સીધો મતલબ એ છે કે ૪૦,૦૦૦ થી વધુ વિધાર્થીઓના પરિવારો પર આર્થિક બોજો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૯૦ દિવસથી પણ વધુ સમયથી ઈરાન - ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને ઇંધણ પર સંકટ વધી રહ્યું છે. હોર્મુઝ જળ માર્ગ બંધ થવાથી ઇંધણ લાવી રહેલા જહાજો ભારત દેશ સુધી પહોંચાડવા મુશ્કેલી પડી રહી છે. તેમજ દેશમાં ઇંધણનો મર્યાદિત જથ્થો હોવાથી ભાવો સત્તત વધી રહ્યા છે. ત્યારે તેની સીધી અસર ટ્રાનપોર્ટેશનના વ્યવસાય પર પડી રહી છે.