BREAKING NEWS

સુજલામ સુફલામથી લઈને નમો એક્સપ્રેસ-વે સુધીના વિકાસના કામો માટે ખજાનો ખુલ્યો

  • February 18, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે તેના તાજેતરના બજેટમાં રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા અને યુવાશક્તિને વધુ સજ્જ કરવા માટે ઘણા મહત્વના પગલાંની જાહેરાત કરી છે. આ બજેટમાં મુખ્યત્વે ઔદ્યોગિક વિકાસ, નિકાસને પ્રોત્સાહન અને કૌશલ્ય વર્ધન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગુજરાત બજેટ 2026-27માં રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દાહોદ, ઝાલોદ, ગરબાડા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં નવી જીઆઈડીસી સ્થાપીને ઔદ્યોગિક માળખાને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશ કાઉન્સિલ’ની સ્થાપના કરવામાં આવશે અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે 6 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આજના બજેટમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં રૂ.1200 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ કેનાલ રિપેરીંગ અને રૂ.1333 કરોડના ખર્ચે કચ્છમાં નવી વોટર પાઇપલાઇન નાખીને છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે.

આ સાથે જ, પશુપાલકોની આવક વધારવા માટે રાજ્યમાં 4 નવા મોટા સીએનજી પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત થઈ છે, જે છાણમાંથી ગેસ બનાવી ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આમ, આ ‘બજેટ’ ગુજરાત અને આત્મનિર્ભર ખેડૂતની દિશામાં એક મજબૂત કદમ છે.

વધુમાં ગુજરાત બજેટમાં રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આમાં વિકસિત ગુજરાત ફંડ માટે રૂ.10,000 કરોડ અને નમો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ માટે રૂ.3,000 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ધોલેરામાં એરપોર્ટ અને લોજિસ્ટિક્સ જેવી આધુનિક સુવિધાઓ માટે રૂ.610 કરોડ, કડાણામાં ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને પશુપાલકોની આવક વધારવા માટે 4 ઝોનમાં સીએનજી પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ સાચા અર્થમાં ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા તરફનું મજબૂત ડગલું છે.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે રૂ.958 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5600 કરોડની ફાળવણી

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે રૂ.5600 કરોડની જોગવાઇ.


5 નવા સેટેલાઈટ ટાઉન વિકસાવાશે

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે


સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાશે

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં રૂ.100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાશે.


સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.1237 કરોડ

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.1237 કરોડ, સૌની યોજના માટે રૂ.473 કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.1333 કરોડ એમ કુલ રૂ.3043 કરોડની જોગવાઇ કરાઈ છે.


દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા 100 કરોડની ફાળવણી

ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ.100 કરોડની જોગવાઇ કરાઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application