BREAKING NEWS

જામનગરમાં એઆઇ આધારિત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલ શરૂ

  • January 01, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરની આરટીઓ કચેરીમાં એઆઇ આધારિત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલ શરૂ થઇ છે. શહેરની તમામ સરકારી કચેરીમાંથી આરટીઓ કચેરીમાં એઆઇ ટેકનોલોજીનો સંભવત: પ્રથમ ઉપયોગ કરાયો છે. આ માટે ટ્રેક પર ૧૬ થી વધુ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. ટ્રેક પર ડ્રાઇવીંગ ટેસ્ટના નિયમો અનુસાર ચાલક વાહનનો ટર્ન, રીવર્સ, ડાબી-જમણી બાજુ લે છે કે કેમ તે સીધું સીસીટીવી કેમરામાં કેદ થશે. આટલું જ નહીં આરટીઓ અધિકારી ઓફીસમાં બેઠા-બેઠા કોમ્પ્યુટરના માઘ્યમથી વાહન ચાલકોએ ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલમાં ભૂલ કરી છે કે કેમ તે જોઇ શકશે. 


વર્તમાન સમયમાં એઆઇ ટેકનોલોજીની બોલબાલા છે. ધીમ-ધીમે તમામ ક્ષેત્રમાં આ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. જામનગરની આરટીઓ કચેરીમાં પણ મહત્વની સુધિવામાં એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેરની તમામ સરકારી કચેરીઓમાંથી સંભવત: પ્રથમ આરટીઓ કચેરીમાં આ ટેકનોલોજીનો મહત્વની ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની સુવિધામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આરટીઓ કચેરીમાં પહેલા ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકમાં વાહન ચાલક ટેસ્ટ આપે ત્યારે તે નિયમ મુજબ વાહન રીવર્સ, રાઇટ-લેફટ, ટર્ન યોગ્ય રીતે લે છે કે કેમ તે ફરજ પરના અધિકારી દ્રાર ટેસ્ટ ટ્રેક સ્થળ પર ઉભા રહી મેન્યુઅલી ચેક કરવામાં આવતું હતું. જેના આધારે વાહન ચાલક ટેસ્ટમાં પાસ થયા કે ફેઇલ તેનો નિર્ણય કરવામાં આવતો હતો.


પરંતુ હવે આરટીઓ કચેરીમાં એઆઇ બેઇઝ ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આરટીઓ કચેરીના અધિકારીઓના જણાવ્યાનુસાર આ માટે ટ્રેકની ફરતે ૧૬ થી વધુ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. એઆઇ આધારીત ડ્રાઇવીંગ લાયસન્સ ટ્રેકથી હવે આરટીઓ કચેરીના અધિકારીને મેન્યુઅલી એટલે કે, ટ્રેકના સ્થળે ઉભા રહી વાહન ચાલક ટેસ્ટના નિયમ મુજબ વાહન ચલાવે છે કે કેમ તેનું મોનીટરીંગ કરવું પડશે નહીં. કારણ કે, જે વાહન ચાલક ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપી રહ્યો હશે ત્યારે તે વાહનનો નિયમ મુજબ ટર્ન, રીવર્સ, ડાબી અને જમણી બાજુ લે છે કે કેમ તે સહીતની મુવમેન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે.


આટલું જ નહીં એઆઇ ટેકનોલોજી વાહનચાલકે ભૂલ કરી છે કે કેમ તે પોઇન્ટ આઉટ કરશે. આથી ફરજ પરના આરટીઓ અધિકારીએ પોતાની ઓફીસમાં બેસીને ફકત મોનીટરીંગ કરવાનું રહેશે. આમ, આરટીઓ કચેરીમાં એઆઇ આધારીત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલ શરૂ થતા વાહનચાલકોએ ટેસ્ટ ડ્રાઇવમાં ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે. જો કે, આ ટ્રેકનું વિધિવત ઉદઘાટન આગામી દીવસોમાં અન્ય શહેરોની સાથે કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.


હાલ મેન્યુઅલી ટ્રાયલ, સંપૂર્ણ પણે સોફટવેર કાર્યરત થયા બાદ ટેસ્ટ ડ્રાઇવમાં  વાહનોની સંખ્યા વધશે

જામનગરની આરટીઓ કચેરીમાં ડ્ર્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવ કે જે પહેલા મેન્યુઅલી હતી તે હવે એઆઇ બેઇઝ બનાવામાં આવી રહ્યો છે. હાલમાં ટ્રેકની ફરતે ૧૬ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે અને મેન્યુઅલી ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે હાલમાં ૭૦ ફોર વ્હીલર અને ૧૨૦ જેટલા ટુ-વ્હીલર વાહનોની ટેસ્ટ ડ્રાઇવ લેવામાં આવી રહી છે. હજુ એઆઇ સોફટવેરનું ઇન્સ્ટોલેશન બાકી છે. ત્યારે એઆઇ સોફટરવેર કાર્યરત થતાં ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક સંપૂર્ણ રીતે એઆઇ આધારીત થશે ત્યારે ટેસ્ટ ડ્રાઇવમાં વાહનોની સંખ્યામાં વધારો થશે તેમ આરટીઓના અધિકારીઓએ જણાવ્યું છે. 


નવી ટેકનોલોજીમાં ટ્રાફીક સિગ્નલ પર કયારે વાહન ઉભું રાખવું તેનો ઉમેરો

જામનગરની આરટઓ કચેરીમાં ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક પર જયારે અધિકારી મેન્યુઅલી મોનીટરીંગ કરતા ત્યારે ટ્રાફીક સિગ્નલ પર વાહન કયારે ઉભું રાખવુું અને પુન: કયારે ચલાવવું તેનો સમાવેશ થતો ન હતો. પરંતુ એઆઇ બેઇઝ ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલ શરૂ થતાં આ સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું આરટીઓના અધિકારીઓએ જણાવ્યું છે. જેમાં ટ્રાફીક સીગ્નલ પર કઇ લાઇટ થાય તો વાહન ઉભું રાખવું, કંઇ લાઇટ થાય ત્યારે વાહન પુન: ચલાવવું તે સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application