BREAKING NEWS

રાજકોટમાં ઘરમાં ઘુસી સોનાની બંગડીની લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝબ્બે

  • October 07, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના જંકશન પોલીસ ચોકી પાછળ આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટ નજીક રહેતા બંગાળી પરિવારના ઘરમાં ઘૂસી ત્રણ દિવસ પૂર્વે રાત્રિના ત્રિપુટીએ યુવાન પુત્રને માર મારી વૃદ્ધને છરી દેખાડીબે તોલાની સોનાની બંગડીની સનસનીખેજ લૂંટ ચલાવી નાસી છૂટ્યાના ગણતરીના જ કલાકોમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે લૂંટારૂ ત્રિપુટીને ઝડપી ગુના નો ભેદ ઉકેલી લૂંટનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ક્રાઈમ બ્રાન્ચને માત્રને માત્ર ડિટેકશન પર ધ્યાન આપવા અપાયેલ સૂચનાના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમો ડિટેકશન તરફ દોડતી થઈ છે.

આવા સંજોગોમાં ત્રણ દિવસ પૂર્વે રાજકોટના જંકશન વિસ્તારમાં જંકશન પોલીસ ચોકી પાછળ આવેલ ગાયકવાડી શેરી નંબર ૧/૧૦ ના ખૂણે ગાયત્રી એપાર્ટમેન્ટ નજીક રહેતા દેવાંશીસભાઈ નીતાઈ ચક્રવતી ઉંમર વર્ષ 48 વાળા બંગાળી યુવક પરિવારના ઘરમાં ગત રાત્રે બે વાગ્યે લૂંટારૂ ત્રિપુટી મોકો જોઈ એકાએક ઘરમાં ઘૂસી ગઈ હતી.

તેમજ દેવાંશીભાઈ ને ઢીકાપાટુનો માર મારતા બુમા બુમ કરવા લાગ્યો હતો જેથી ઘરમાં સૂતેલા તેના વૃદ્ધ માતા મોનિકાબેન જાગી ગયા હતા અને પુત્રને બચાવવા જતા લૂંટારૂ ત્રિપુટીએ વૃદ્ધાને છરી બતાવી હાથમાં પહેરેલ સોનાની બે તોલાની બંગડી કિંમત રૂપિયા 1.50 લાખની જબરજસ્તીથી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.

આ અંગે પ્રનગર પોલીસને સવારે જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાના અને ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈના ધ્યાને આવતા પી.આઈ વસાવા તેમજ ડી સ્ટાફ એલસીબી ઝોન ટુ , ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પીઆઇ મનોજ ડામોર, પીઆઇ ચિરાગ જાદવ,ની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દોડતી થઈ હતી.અને જુદી જુદી ટીમો ગાયકવાડી વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી લૂટનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન સીસીટીવી ફૂટેજમાં ત્રિપુટી કેદ થઈ ગઈ હતી.

જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમા પી.આઈ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ, ના નેજા હેઠળ પી.એસ.આઇ વીડી ડોડીયા, પીએસઆઇ એસવી ચુડાસમા, સહિતની ટીમો એ ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી લૂંટના ગુનામાં સંડોવાયેલ ત્રિપુટીને માધાપરથી એમ્સ હોસ્પિટલ જતા રસ્તેથી ઝડપી લીધી હતી.

ઝડપાયેલા લૂંટારો ની પૂછપરછમાં રવિ રમેશભાઈ આધોજીયા ઉમર 21 વલ્લભ મનજીભાઈ વાજલીયા ઉમર 45 સંજય રાયધનભાઈ વાઘેલા ઉમર 25 રહે ત્રણેય ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર્સ જામનગર રોડ વાળા હોવાનું અને તેની પાસેથી લૂંટ ચલાવેલ 2.27 લાખની બે બંગડી એક રીક્ષા છરી મોબાઇલ સહિત 3.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


કચરો વીણવાના બહાને રેકી કરી લૂંટને આપતા હતા અંજામ

જંકશનના ગાયકવાડી વિસ્તારમાં બંગાળી પરિવારના ઘરમાં ઘૂસી છરીની અણીએ વૃદ્ધા પાસેથી હાથમાં પહેરેલ 2.27 લાખની સોનાની બંગડીની લૂંટ ચલાવનાર ત્રિપુટીની પૂછપરછમાં આરોપીઓ કચરો વીણવાના બહાને રેકી કરતા હતા અને મોકો જોઈ લૂંટને અંજામ આપતા હોવાની કબુલાત આપી હતી.



આરોપી ત્રિપુટીને ક્રાઈમ કુંડળીમાં લુટ વિથ મર્ડર સહિતના ગુના

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હોસ્પિટલ રસ્તેથી ઝડપી લીધેલ લૂંટારો ત્રિપુટી ની ક્રાઈમ કુંડળીની ચકાસણી કરતા સંજય વાઘેલા સામે રાજકોટ, અમરેલી અને જામનગરના ધ્રોલમાં ત્રણ જેટલા ગુના હોવાનું તેમજ આરોપી વલ્લભ વાજલીયા અગાઉ ખંભાળિયામાં લૂંટ વીથ મર્ડરના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application