BREAKING NEWS

રાજકોટમાં 2.96 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ત્રિપુટી ઝડપાઈ

  • November 06, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દરિયાઈ વિસ્તારના સંરક્ષણ જીવોના અવશેષોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા અંગે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર સામે પોલીસ કમિશનર,અને ડીસીપી ક્રાઈમ દ્વારા કરાયેલા આદેશના પગલે એસઓજી, બ્રાન્ચના પી.આઈ સહિતની ટીમ અગાઉ આજીડેમ ચોકડી નજીક બાબરાના કરીયાણા ગામના શખ્સને 49.80 લાખની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધા બાદ રાજકોટમાં શાસ્ત્રી મેદાન નજીક સુરેન્દ્રનગર થી વહેલ માછલીની ઉલટી વેચવા આવેલી સુરેન્દ્રનગર જિલ્લાની ત્રિપુટીને 2.96 કરોડની એમ્બર ગ્રીસ ઉલ્ટી સાથે ઝડપી આરોપીઓને ફોરેસ્ટ વિભાગને મુદ્દામાલ સાથે સોપ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર જા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચના અને એસીપી ક્રાઈમ બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી બ્રાન્ચના પી.આઈ એસએમ જાડેજાના નેજા હેઠળ પી.એસ.આઇ એસબી ઘાસુરા અને ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળી હતી.

તે દરમિયાન એએસઆઈ ફિરોજ શેખ , અમિત ટુંડિયા કિશોર ઘૂઘલ, રવિરાજ ધગલ, ને મળેલ ચોક્કસ બદલીના આધારે પીએસઆઇ એસ બી ઘાસુરા અને ટીમે શાસ્ત્રી મેદાન નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ શખ્સોને અટકાવી પૂછપરછ હાથ ધરતા અને તલાસી લેતા તેની પાસેથી બહુ કીમતી વહેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી જેની અંદાજે કિંમત 2.96 કરોડ થાય છે.

જે અંગે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા ઉંમર 51 રહે દેવનગર દાડમિલ રોડ સુરેન્દ્રનગર પરેશ ચંદ્રકાંતભાઈ શાહ ઉમર 66 રહે જય સોસાયટી તારામણી કોમ્પ્લેક્સ રતનપર સુરેન્દ્રનગર અને આશિષભાઈ સુરેશભાઈ ભટ્ટ ઉમર 48 રહે નવા જંકશન રોડ સુરેન્દ્રનગર વાળા ની અટકાયત કરી હતી.

આ અંગે એસોજી બ્રાન્ચે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ એફએસએલ અધિકારી ને જાણકરી આ ઝડપાયેલ વસ્તુ નું પરીક્ષણ કરાવવા 2.96 કરોડનું એમ્બરગ્રીસ તેમજ ચાર મોબાઇલ, કાર સહિત કુલ 2.97 કરોડનો મુદ્દામાલ કબજે કરી આરોપી ઓને ફોરેસ્ટ વિભાગની સોંપી દેવામાં આવ્યા છે.

આ અંગેની કામગીરીમાં એસ ઓજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ.જાડેજા પીએસઆઇ એસ.બી ઘાસુરા એએસઆઈ અરૂણભાઇ બામણીયા,કિશોર ઘૂઘલ, ફિરોજ શેખ, અમિતકુમાર ટુંડિયા, રવિરાજ ધગલ, સહિતની ટીમ જોડાઈ હતી.



એમ્બર્ગ્લીસ સરધારના રાણા નામના શખ્સ પાસેથી લાવ્યા હતા

પ્રતિબંધિત વહેલ માછલી ની ઉલટી એમ્બર ગ્રીસ ડ્રગ્સની માફક ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ ઊંચી કિંમતમાં વેચાતું હોવાની લાલચમાં રાતો રાત નાણાં કમાવાની લ્હાયમાં આરોપી પરેશભાઈ શાહ ને સરધારના રાણા નો કોન્ટેક મળતા સાગરીતો નરેન્દ્રસિંહ અને icici બેંકનો કર્મચારી આશિષ ભટ્ટ સહિતની ત્રિપુટી રાજકોટમાં વ્હેલ માછલીની ઉલટી વહેચવા આવ્યા હતા અને પોલીસની જપટે ચડી ગયા હતા.



આરોપીમાં એક બેંક કર્મચારી અને બીજો પોલીસ પરિવારનો સભ્ય

રાજકોટ એસઓજી બ્રાન્ચે શાસ્ત્રી મેદાન નજીકથી 2.96 કરોડના એમ્બર ગ્રીસ વહેલ માછલીની ઉલટી સાથે ઝડપી લીધેલ આરોપીમાં સુરેન્દ્રનગર વિવેકાનંદ સોસાયટીમાં રહેતો આશિષ ભટ્ટ આઈસીઆઈસીઆઈ બેંકનો કર્મચારી હોવાનું તેમજ નરેન્દ્રસિંહ જાડેજા જેના મોટા ભાઈ રાજકોટ સીટ શાખામાં ફરજ બજાવતા હોવાનું પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે.



"સમુદ્રનો ખજાનો" તરતુ સોનુ ગણાતી વ્હેલ માછલીની ઉલટી

એમ્બર ગ્રીસ" એટલે વ્હેલ માછલીની ઉલ્ટી જેનો ઉપયોગ લક્ઝરીયસ કોસ્મેટિક્સ આઈટમો, પર્ફ્યુમ અને મેડિસનમાં ઉપયોગ લેવામાં આવે છે આ કિંમતી પદાર્થને “સમુદ્રનો ખજાનો’તેને ‘તરતું સોનું’ જેવા નામ આપવામાં આવ્યા છે. જેના માટે વ્હેલનો મોટાપાયે શિકાર કરવામાં આવે છે. જે ગેરકાનુની છે.એમ્બરગ્રીસ માત્ર સ્પર્મ વ્હેલ દ્વારા ઉત્પન્ન થાય છે અને આ પ્રજાતિની માત્ર એક ટકા માછલીઓમાં આ પદાર્થ હોય છે. સમુદ્રમાં, માછલીઓ તીક્ષ્ણ ચાંચ અને શેલવાળા ઘણા જીવોને ખાય છે જેનાથી એમ્બરગ્રીસ આંતરિક ઇજાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.



વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોંધાય છે ફોરેસ્ટમાં ગુનો

વ્હેલ માછલીની ઉલટી "એમ્બર ગ્રીસ" નું વેચાણ તે પ્રતિબંધિત હોવાનું અને તેની હેરાફેરી કરતા સોદાગરો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ઝડપાયેલ એમ્બર ગ્રીસ ના પરીક્ષણ માટે ભારતમાં કલકત્તા અને દેહરાદુનમાં બે ફોરેન્સિક લેબ આવેલી છે ત્યાં તેનું પરીક્ષણ થાય છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ એફ.ઓ.આર મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application