મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહભોજન અને રક્તદાન કેમ્પ સાથે 'આશરાનો ધર્મ આહીર' ઐતિહાસિક નાટકની પ્રસ્તુતિ સહિતના ક્રાયકમો ઉજવાશે
જામનગર આહીર સમાજ, અને આહીર યુવા ગુપ દ્વારા આગામી તા. ૧૪-૧-૨૦૨૬ ને બુધવાર, મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહભોજન અને રક્તદાન કેમ્પ સાથે આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક 'આશરાનો ધર્મ આહીર' નાટક પ્રસ્તુત કરવા સહિતના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના ખૂણે ખૂણે વસતા આહિર સમાજના લોકો સહભાગી થશે. આ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે અને યુવા ગ્રુપ અને સમાજના અગ્રણીઓ દ્વારા ઝોન વાઇઝ આમંત્રણ પણ અપાઈ ચૂક્યા છે.
જામનગરમાં વસતા સમસ્ત આહીર જ્ઞાતિના સ્વજનો માટે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ૧૫ મું સમુહ ભોજન (મહાપ્રસાદ) નું આયોજન કરાયું છે. એકસુરતા સાથે સમાજમાં સંગઠન સંગઠન શક્તિ વધે અને આહીર સમાજ તથા અન્ય સમાજને પણ મદદરૂપ થાય તેવા ઉમદા ભાવ સાથે આ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાંજે ૫.૦૦ વાગ્યાથી લઈ ૮.૦૦ વાગ્યા સુધી સમાજ એક તાંતણે બંધાઈ પ્રસાદ લેશે. સાથે જ માનવસેવાના ભાવ સાથે “મેગા બ્લડ ડોનેશન કેમ્પ" પણ યોજાશે. તા. ૧૪ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાથી માંડી ૮.૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.
સૌથી મોટી વાત એ છે કે આ કાર્યક્રમ સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બને તેવા લક્ષ્ય સાથે “આહીર વીર દેવાયત બોદર" ના આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક "આશરાનો ધર્મ આહીર" નો પણ રાત્રે ૯.૦૦ કલાકે યોજાશે. માલદેભાઈ આહીર, કસુંબલ કલાવૃંદ - ઉપલેટા દ્વારા જામનગરની ધરતી પર પ્રથમ વખત આ નાટકની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.
જામનગરના ઓશવાળ - ૨, મેઈન રોડ, આહીર સમાજ અને શ્રીજી હોલ વચ્ચે, કોર્પોરેશનની જગ્યામા આયોજિત આ કાર્યક્રમને લઈ જામનગરમાં જુદા જુદા ૪ ઝોન પાડી આમંત્રણ અંગેની મિટીંગો કરવામાં આવી હતી. અંદાજે શહેરભરમાં ૧૬ જેટલી મિટીંગો યોજી કાર્યક્રમને દીપાવવા માટે સમસ્ત આહીર જ્ઞાતિજનોએ જામનગર આહીર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, આહીર યુવા ગ્રુપ જામનગરના પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, સુરેશભાઈ વસરા, મહેશભાઈ નંદાણીયા, વિજય ભાઈ ધ્રાંગુ, શૈલેષભાઈ ગોજીયા, કુંભનભાઇ ગાગલિયા, પ્રવિણભાઇ ભારવડીયા, હેમંતભાઈ જોગલ, ગોવિંદભાઈ કોટા, કારૂભાઈ પાઉ, પરબતભાઇ માડમ, હિરેનભાઇ માડમ, જીગરભાઈ માડમ, સામતભાઇ જોગલ, ધર્મેન્દ્ર ભાઈ આંબલિયા, નરેશભાઈ કરમૂર, ભાવેશભાઈ ગાગીયા, કિશોરભાઈ રાવલિયા, સોલંકી સાહેબ, કરશનભાઇ ડેર સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.