અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર જન્મજાત નાગરિકતા (Birthright Citizenship) ના નિયમોને વધુ કડક બનાવવા માટે એક મોટું પગલું ભરવાની યોજના બનાવી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અમેરિકન સરકાર દેશમાં જન્મેલા બાળકોના પાસપોર્ટ માટે અરજી કરનારા માતા-પિતા પાસેથી તેમની પોતાની નાગરિકતા અથવા કાયદેસરના ઇમિગ્રેશન સ્ટેટસનો આધારભૂત પુરાવો માંગવાની તૈયારી કરી રહી છે. અમેરિકી સરકારના આ પગલાને રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને અમલમાં મૂકવાની દિશામાં પ્રથમ મહત્વપૂર્ણ કદમ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ 'બર્થ ટુરિઝમ' પર રોક લગાવવાનો અને નાગરિકતાના ઐતિહાસિક નિયમોમાં બદલાવ લાવવાનો છે.
હાલના નિયમો અનુસાર, અમેરિકામાં બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે માતા-પિતાએ માત્ર બાળક સાથેનો પોતાનો સંબંધ સાબિત કરવાનો રહેતો હતો અને સરકારી ફોટો આઈડી રજૂ કરવાનું રહેતું હતું. અરજી ફોર્મમાં તેમણે પોતાના નાગરિકતા સ્ટેટસનો ઉલ્લેખ કરવાનો હતો, પરંતુ તેના સમર્થનમાં સત્તાવાર દસ્તાવેજો કે ઇમિગ્રેશન પુરાવા (જેમ કે વિઝા અથવા ગ્રીન કાર્ડ) આપવા ફરજિયાત ન હતા.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના નવા ડ્રાફ્ટમાં પ્રસ્તાવિત સુધારા મુજબ, જો આ નવો નિયમ સંપૂર્ણપણે લાગુ થઈ જશે, તો બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે માતા-પિતા અથવા કાનૂની વાલીઓએ પોતાની નાગરિકતા અથવા લીગલ ઇમિગ્રેશન સ્ટેટસના પુરાવા જેવા કે I-94 ફોર્મ અથવા પરમનન્ટ રેસિડન્સી કાર્ડ (ગ્રીન કાર્ડ) ફરજિયાતપણે દર્શાવવા પડશે. આ માહિતીનો ઉપયોગ કરીને સરકાર એ નક્કી કરશે કે નવજાત બાળક નવા આદેશ હેઠળ અમેરિકન નાગરિકતા મેળવવા માટે હકદાર છે કે નહીં.
ટ્રમ્પ વહીવટીતંત્રના આ નવા નિર્દેશનો મુખ્ય હેતુ એવા બાળકોને અમેરિકન નાગરિકતા મેળવતા રોકવાનો છે, જેના માતા-પિતામાંથી કોઈ અમેરિકામાં વિદેશી સરકાર માટે કામ કરી રહ્યું હોય અથવા જેઓ નાગરિકતા મેળવવા માટે કોઈ છેતરપિંડી કે વ્યાપારી સોદાબાજીમાં સામેલ રહ્યા હોય. જોકે, અમેરિકામાં આ કાયદાને સરળતાથી લાગુ કરવો ટ્રમ્પ પ્રશાસન માટે આસાન નહીં હોય, કારણ કે બંધારણીય જોગવાઈઓના કારણે આ નિર્ણય સામે મોટો કાનૂની વિવાદ અને પડકારો ઉભા થવાની પૂરેપૂરી શક્યતા છે.