BREAKING NEWS

ટ્રમ્પે નેતન્યાહૂને જીતાડવા માટે કર્યો પ્રચાર, બેફામ વખાણ કર્યા

  • October 19, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફરી સત્તા ઉપર લાવવા માટે ખુલ્લું સમર્થન જાહેર કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે નેતન્યાહૂને શક્તિશાળી, બહાદુર અને અસાધારણ નેતા ગણાવ્યા છે. એટલું જ નહીં, તેમણે ઇઝરાયેલના મતદારોને નેતન્યાહૂને જ ફરી સત્તા સોંપવાની અપીલ કરતાં ઇરાન સામેની અમેરિકાની લશ્કરી કાર્યવાહીને પણ ઇઝરાયેલના નેતૃત્વ સાથે જોડી દીધી છે.૨૭ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીના નવ દિવસ પહેલાં ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ઉપર ઇઝરાયેલના નાગરિકોને સંબોધતો સંદેશ જાહેર કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું કે નેતન્યાહૂએ ભારે રાજકીય વિરોધ અને મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં પોતાની મજબૂત નેતૃત્વક્ષમતા સાબિત કરી છે. ઇરાન સામેની કાર્યવાહીમાં પણ નેતન્યાહૂ અમેરિકા માટે અત્યંત મહત્ત્વના સાથી રહ્યા છે.ટ્રમ્પે ઇરાન ઉપર ઇઝરાયેલ અને અમેરિકા પ્રત્યે લાંબા સમયથી દુશ્મનાવટ રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ઇરાનની લશ્કરી અને આર્થિક ક્ષમતાને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જો ઇરાન ઝડપથી પોતાનું વલણ નહીં બદલે તો અમેરિકા બાકી રહેલી કાર્યવાહી પણ પૂરી કરશે એવી ચેતવણી તેમણે આપી હતી.ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું કે નેતન્યાહૂ સિવાય કોઈ બીજો નેતા ઇઝરાયેલની સત્તા સંભાળશે તો ઇરાન સામેની જવાબદારી અમેરિકાએ જાતે ઉઠાવવી પડી શકે છે, જે તેઓ ઇચ્છતા નથી. આ નિવેદનને ઇઝરાયેલના મતદારો ઉપર પ્રભાવ પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.ટ્રમ્પનું સમર્થન મળતાં નેતન્યાહૂએ વીડિયો સંદેશ દ્વારા તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ જેટલો મોટો ઇઝરાયેલનો મિત્ર બીજો કોઈ નથી. બંને દેશો ઇરાનને પરમાણુ શસ્ત્રો મેળવતાં અટકાવવા સંકલ્પબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.ઇઝરાયેલમાં આગામી ચૂંટણી ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના હમાસના હુમલા પછી યોજાનારી પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી છે. ગાઝા યુદ્ધ, લેબનોન અને ઇરાન સાથેના સંઘર્ષ તથા આંતરિક રાજકીય મતભેદોના કારણે નેતન્યાહૂ માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application