અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવની વચ્ચે હવે અમેરિકાના પોતાના રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજીથી કોઈ પણ મોટો સૈન્ય હુમલો કે યુદ્ધ જાહેર ન કરી શકે તે માટે ત્યાંના સાંસદો તેમની સત્તા પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આગામી અઠવાડિયે અમેરિકન સંસદમાં એક ખાસ પ્રસ્તાવ લાવવામાં આવનાર છે, જે ટ્રમ્પની યુદ્ધ કરવાની સ્વાયત્ત સત્તાને મર્યાદિત કરી શકે છે.
વિપક્ષી નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવનારા આ પ્રસ્તાવ મુજબ, ઈરાન પર કોઈપણ પ્રકારનો સૈન્ય હુમલો કરતા પહેલા પ્રમુખે ફરજિયાતપણે સંસદની મંજૂરી લેવી પડશે. વિરોધ પક્ષના નેતા ચક શૂમરે આ મુદ્દે ગંભીરતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશ અત્યારે એક અત્યંત ખતરનાક વળાંક પર ઉભો છે. યુદ્ધ જેવા મોટા નિર્ણયો, જેની અસર લાખો લોકો પર પડતી હોય, તેની સત્તા માત્ર એક વ્યક્તિના હાથમાં ન હોવી જોઈએ. આવા નિર્ણયો લેવાની અંતિમ સત્તા સંસદ પાસે હોવી જોઈએ.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને તેમના ઉશ્કેરણીજનક નિવેદનોએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી કે જો તેઓ સમુદ્રી માર્ગો (ચોક પોઈન્ટ્સ) નહીં ખોલે, તો અમેરિકા ઈરાનનો સંપૂર્ણ વિનાશ કરી દેશે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ગભરાટ ફેલાયો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણ અને વિરોધ વચ્ચે ટ્રમ્પે છેલ્લી ઘડીએ બે અઠવાડિયા માટે 'સીઝફાયર' એટલે કે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેમ છતાં, વિપક્ષી સાંસદોને ડર છે કે ટ્રમ્પ ગમે ત્યારે ફરીથી કોઈ ઉતાવળિયું પગલું ભરી શકે છે, તેથી તેઓ કાયમી ધોરણે પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.
અમેરિકન બંધારણ મુજબ, સત્તાવાર રીતે યુદ્ધ જાહેર કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે. પરંતુ એક મોટી છટકબારી એ છે કે પ્રમુખ 'તાત્કાલિક જોખમ' અથવા 'ટૂંકા ગાળાની કાર્યવાહી'ના બહાને સંસદને પૂછ્યા વગર સૈન્ય નિર્ણયો લઈ શકે છે. વિપક્ષી નેતાઓનો આક્ષેપ છે કે ટ્રમ્પ આ જ છટકબારીનો ગેરલાભ ઉઠાવીને પોતાની રીતે જંગ જેવી સ્થિતિ ઊભી કરી રહ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝે પણ ટ્રમ્પના વલણને 'બેજવાબદાર' ગણાવીને આ પ્રસ્તાવને પૂરજોર સમર્થન આપ્યું છે.
હવે સમગ્ર વિશ્વની નજર અમેરિકન સંસદ પર ટકેલી છે. રિપબ્લિકન પાર્ટી જે ગૃહમાં સામાન્ય બહુમતી ધરાવે છે, ત્યાં આ પ્રસ્તાવ પસાર થશે કે કેમ તે મોટો સવાલ છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય, તો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી કરવી મુશ્કેલ બની જશે. આ ઘટનાક્રમ માત્ર અમેરિકાના આંતરિક લોકશાહી માળખા માટે જ નહીં, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ જળવાઈ રહે તે માટે પણ અત્યંત નિર્ણાયક સાબિત થશે.