અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેના યુદ્ધ અને શાંતિસંધિ અંગે વારંવાર જાહેરાત કરીને શેર તથા ક્રૂડ ઓઇલના બજારમાં કૃત્રિમ ઊથલપાથલ સર્જી રહ્યા છે અને તેની આગોતરી માહિતી પોતાના ધનાઢ્ય સમર્થકોને વેચી રહ્યા છે એવો ગંભીર આરોપ ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર ક્રિસ મર્ફીએ મૂક્યો છે. મર્ફીએ અમેરિકી સેનેટમાં જણાવ્યું કે ઈરાન યુદ્ધ ટ્રમ્પની અણઆવડતને કારણે જ નહીં, તેમના માટે કમાણીનું સાધન બની ગયું હોવાથી પણ લંબાઈ રહ્યું હોઈ શકે છે. કનેક્ટિકટના સેનેટર મર્ફીએ ટ્રમ્પની ઈરાન નીતિને અમેરિકાના લોકો સાથે કરવામાં આવતી છેતરપિંડી ગણાવી હતી. તેમના દાવા પ્રમાણે ટ્રમ્પ છ મહિનામાં 11 વખત ઈરાન સાથે સમજૂતી થવાની તૈયારીમાં હોવાની અથવા યુદ્ધ પૂરું થવાની જાહેરાત કરી ચૂક્યા છે, પરંતુ એકેય જાહેરાતના પરિણામે કાયમી સમજૂતી થઈ નથી. મોટા ભાગની જાહેરાત રવિવારની રાત્રે અથવા સોમવારે બજાર ખૂલવાના થોડા સમય પહેલાં કરવામાં આવી હતી. જાહેરાત થતાં જ શેરબજાર ઉછળ્યું અને ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા, પરંતુ થોડા દિવસ બાદ અમેરિકાએ ઈરાન પર ફરી હુમલા શરૂ કરી દીધા હતા. મર્ફીએ કહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમને માત્ર ટ્રમ્પની અણઆવડત કે અસ્થિર નિર્ણયપ્રક્રિયા ગણીને અવગણી શકાય તેમ નથી. ટ્રમ્પની જાહેરાતનો સમય, તેના પછી બજારમાં આવેલી તેજી-મંદી અને કોઈ સમજૂતી ન થઈ હોવા છતાં વારંવાર એ જ પ્રકારની જાહેરાતો થવી શંકા જન્માવે છે. બજારમાં મોટો દાવ લગાવનારને આવી જાહેરાતની થોડી સેકન્ડ પહેલાં પણ માહિતી મળી જાય તો તે કરોડો ડોલરની કમાણી કરી શકે છે. જૂનમાં થયેલી કામચલાઉ સમજૂતી પણ માત્ર દસ દિવસ ટકી હતી. અમેરિકા અને ઈરાન સમજૂતીની શરતોનો અલગ અલગ અર્થ કરતા હોવાથી લશ્કરી કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ હતી. ત્યાર પછી 1 અને 2 ઓગસ્ટે ટ્રમ્પે ફરી સમજૂતીની શરતો નક્કી થઈ ગઈ હોવાનું તથા ઈરાનના પરમાણુ નિઃશસ્ત્રીકરણ અંગે કરાર નજીક હોવાનો દાવો કર્યો હતો. આ જાહેરાતોના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં પહેલા પાંચ ટકા અને પછી ફરી પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ઈરાને અમેરિકા સાથે આવી કોઈ સીધી ચર્ચા ચાલી રહી હોવાનો ઇનકાર કર્યો હતો. ક્રિસ મર્ફીએ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ સાથે જોડાયેલી દર મહિને એક લાખ ડોલરની વિશેષ સબ્સ્ક્રિપ્શન યોજનાનો ઉલ્લેખ કરીને સૌથી ગંભીર સવાલ ઉઠાવ્યો હતો. તેમના દાવા પ્રમાણે આટલી રકમ ચૂકવનારા ગ્રાહકોને ટ્રમ્પની કેટલીક પોસ્ટ અને અમેરિકાની નીતિ અંગેની જાહેરાતોની આગોતરી જાણકારી મળી શકે છે. જો ઈરાન પર હુમલો શરૂ થવાનો હોય અથવા શાંતિસંધિ જાહેર થવાની હોય તો આવી માહિતી શેર, ક્રૂડ ઓઇલ અને ફ્યુચર્સ બજારમાં કરોડો ડોલરની કમાણી કરાવી શકે છે.“આ સબ્સ્ક્રિપ્શન સેવા નહીં, ઇનસાઇડર ટ્રેડિંગ માટેની વ્યવસ્થા છે,” એમ મર્ફીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application