અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ટેરિફ વિરોધી ચુકાદા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવો મોરચો ખોલી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે દેશો કોર્ટના આ નિર્ણયનો આડઅડત રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે અથવા અમેરિકા સાથે 'રમત' રમશે, તેમને ગંભીર આર્થિક પરિણામો ભોગવવા પડશે.
'વર્ષોથી અમેરિકાને લૂંટનારા દેશો સાવધ રહે'
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કરતા લખ્યું કે, "કોઈપણ દેશ જે સુપ્રીમ કોર્ટના આ હાસ્યાસ્પદ નિર્ણય સાથે રમત રમવા માંગે છે, ખાસ કરીને એવા દેશો જેમણે વર્ષો કે દાયકાઓ સુધી અમેરિકાનું શોષણ કર્યું છે (Ripped Off), તેમને હવે પહેલા કરતા પણ વધુ ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ નવી આયાત જકાત અને તેના પરિણામો તાજેતરમાં થયેલા વેપાર કરારો કરતા પણ વધુ 'ખરાબ' હશે.
ખરીદનાર સાવધાન: BUYER BEWARE!!!
ટ્રમ્પે પોતાના નિવેદનના અંતે અત્યંત કડક શબ્દોમાં "BUYER BEWARE!!!" (ખરીદનાર સાવધાન!) લખીને અન્ય દેશોના નિકાસકારોને ચેતવ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે કોર્ટના નિર્ણય છતાં તેઓ રાષ્ટ્રપતિ તરીકે પોતાની સત્તાનો ઉપયોગ કરીને અમેરિકાના આર્થિક હિતોનું રક્ષણ કરશે અને જરૂર પડ્યે નવા નિયમો લાદશે.
વૈશ્વિક બજારમાં ચિંતાનું મોજું
ટ્રમ્પના આ નિવેદનથી ભારત, ચીન અને યુરોપિયન દેશોના વેપારી સંગઠનોમાં ચિંતા વધી છે. એક તરફ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે, તો બીજી તરફ ટ્રમ્પ જે રીતે આક્રમક થઈ રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં અમેરિકા કોઈ નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવીને ટેરિફમાં ફરીથી વધારો કરી શકે છે. નિષ્ણાતોના મતે, ટ્રમ્પ હવે કોર્ટના નિર્ણયને પડકારવા માટે વધુ આકરા પગલાં ભરી શકે છે.