BREAKING NEWS

તિતાલી ટ્રમ્પ અચાનક જ જિનપિંગ અને પુતિનના વખાણ કરવા માંડ્યા

  • November 03, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના વખાણ કરતાં કહ્યું કે આ બંને નેતાઓ અત્યંત મજબૂત અને સમજદાર છે, જેમની સાથે 'ખેલ' કરી શકાય નહીં.ટ્રમ્પે આ નિવેદન રવિવારે રાત્રે ન્યૂઝના એક કાર્યક્રમમાં આપ્યું હતું. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પુતિન અને શી જિનપિંગમાંથી કોની સાથે ડીલ કરવી વધુ મુશ્કેલ છે, તો ટ્રમ્પે કહ્યું કે બંનેમાંથી કોઈની સાથે ડીલ કરવી સહેલી નથી, બંને ખૂબ જ મજબૂત નેતાઓ છે.

આ અંગે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'બંને ખૂબ જ ટફ છે. બંને બુદ્ધિશાળી છે. તેઓ ખૂબ જ મજબૂત નેતાઓ છે. આ એવા લોકો છે જેમની સાથે 'ખેલ' કરી શકાય નહીં. તેમને ખૂબ ગંભીરતાથી લેવા જોઈએ. આ લોકો એવા નથી કે જે કહે - વાહ, કેટલો સુંદર દિવસ છે, સૂર્ય ચમકી રહ્યો છે, કેટલું સારું હવામાન છે... ના, આ ગંભીર, મજબૂત અને ચતુર નેતાઓ છે.'

યુક્રેન યુદ્ધ માટે ટ્રમ્પે પૂર્વ પ્રમુખ જો બાઇડનને જવાબદાર ઠેરવ્યા અને દાવો કર્યો કે, 'મારા શાસનકાળમાં આવું યુદ્ધ ક્યારેય ન થાત. મને એક એવો દેશ ચલાવવા માટે આપવામાં આવ્યો, જ્યાં પુતિનને લાગે છે કે તેઓ જીતી રહ્યા છે. આ યુદ્ધ મારા શાસનમાં ક્યારેય ન થાત. પુતિને પોતે પણ આવું કહ્યું હતું. આ યુદ્ધ એટલા માટે થયું, કારણ કે જો બાઇડન પ્રમુખ હતા.'

ટ્રમ્પે દાવો કર્યો કે, 'મારા પહેલા કાર્યકાળમાં આવો કોઈ તણાવ થયો નહોતો. ચાર વર્ષ સુધી કંઈ થયું નહીં. કોઈને લાગ્યું પણ નહીં કે આવું કંઈક થઈ શકે છે.' તેમણે પોતાની સૈન્ય નીતિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું, 'મેં મારા પહેલા કાર્યકાળમાં આપણી સેનાને મજબૂત કરી હતી. આપણે દુનિયાના સૌથી શ્રેષ્ઠ હથિયારો બનાવીએ છીએ. બાઇડનના સમયમાં શરૂ થયેલા યુદ્ધમાં તે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો.'

શી જિનપિંગ સાથેના પોતાના જૂના સંબંધો વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, 'અમારા સંબંધો હંમેશા સારા રહ્યા છે. તે એક મજબૂત વ્યક્તિ છે, ખૂબ જ પ્રભાવશાળી નેતા છે.'

જોકે, તેમણે સ્વીકાર્યું કે કોવિડ-19 મહામારીના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો, પરંતુ અમારા સંબંધો હજી પણ જેટલા સારા હોઈ શકે, તેટલા છે. બંને દેશ એકબીજાનું સરખું સન્માન કરે છે. આ સંબંધ મહત્ત્વપૂર્ણ છે કારણ કે બંને દેશ શક્તિશાળી છે.'

ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે દુનિયાના દેશો પર ટેરિફ લગાવીને ટ્રેડ વૉર શરુ કરવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, 'આ વલણ વ્યૂહાત્મક અને અસ્થાયી હતું. હા, થોડી તકલીફ થઈ કારણ કે હું ચીન પાસેથી ઘણા બધા પૈસા વસૂલ કરી રહ્યો હતો અને બધું સારું ચાલી રહ્યું હતું પણ પછી ચીને પલટવાર કર્યો. તેમની તાકાત રેયર અર્થ મેટલ્સ (Rare Earth Metals) છે, જેને તેઓ 25-30 વર્ષથી જમા કરી રહ્યા છે.'

ગયા અઠવાડિયે ટ્રમ્પે ચીની વસ્તુઓ પર લગાવેલા ટેરિફને 10 ટકા ઘટાડવાની જાહેરાત કરી એટલે કે, ચીન પર લાગેલા 57 ટકા ટેરિફને ઘટાડીને 47 ટકા કરી દીધો. તેમણે તેને 'સદ્ભાવનાના સંકેત' ગણાવ્યો અને કહ્યું કે આ નિર્ણય દક્ષિણ કોરિયામાં શી જિનપિંગ સાથે થયેલી તેમની સકારાત્મક વાતચીત પછી લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application