ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સીએનબીસી (CNBC) ને આપેલા ઈન્ટરવ્યુમાં વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની પાસે યુદ્ધવિરામને આગળ વધારવા માટે વધુ સમય નથી. તેમણે ચેતવણી આપી છે કે જો તેહરાન સાથે ટૂંક સમયમાં કોઈ સમજૂતી નહીં થાય, તો અમેરિકી સેના ફરીથી ઈરાન પર બોમ્બમારો કરવા માટે તૈયાર છે.
ઈરાની નેતૃત્વની આકરી ટીકા
ટ્રમ્પે ઈરાનના શાસકો પર આકરા પ્રહારો કરતા તેમને 'ખરાબ લોકોનું જૂથ' ગણાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનમાં 42,000 નિર્દોષ અને નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓને ફાંસી આપવામાં આવી છે અથવા મારી નાખવામાં આવ્યા છે. ટ્રમ્પે ઈરાનને અપીલ કરી છે કે તેઓ તે આઠ મહિલાઓને તાત્કાલિક મુક્ત કરે જેમને હાલમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.
સૈન્ય કાર્યવાહીના સંકેત
ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અમારી સેના જવા માટે તૈયાર છે. મને આશા છે કે (જો ડીલ નહીં થાય તો) બોમ્બમારો થશે, કારણ કે મને લાગે છે કે આ એક વધુ સારો અભિગમ છે." ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હવે વાતચીત કરતા દબાણની વ્યૂહરચનામાં વધુ વિશ્વાસ રાખી રહ્યું છે.
પાકિસ્તાનમાં યોજાશે નિર્ણાયક બેઠક
યુદ્ધના ભણકારા વચ્ચે શાંતિ માટેનો છેલ્લો પ્રયાસ પાકિસ્તાનની ધરતી પર થાય તેવી શક્યતા છે. ટ્રમ્પે અગાઉ પણ સંકેત આપ્યા હતા કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો માટેની બીજી બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાશે. ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ પણ સંકેત આપ્યા છે કે તેહરાન આ વાટાઘાટોમાં સામેલ થવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જો આ બેઠકમાં કોઈ પરિણામ નહીં આવે, તો યુદ્ધ ફરીથી ભડકી શકે છે.
અમેરિકાની મજબૂત સ્થિતિ
ટ્રમ્પનું માનવું છે કે હાલમાં અમેરિકા વાતચીત કરવા માટે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આર્થિક પ્રતિબંધો અને સૈન્ય દબાણને કારણે ઈરાન ઘૂંટણિયે છે, અને આ સ્થિતિનો લાભ લઈને ટ્રમ્પ એક એવી 'બિગ ડીલ' કરવા માંગે છે જે અમેરિકાના હિતમાં હોય.
આગામી થોડા દિવસો પશ્ચિમ એશિયા અને સમગ્ર વિશ્વના વ્યાપાર માટે અત્યંત નાજુક છે. જો ઈસ્લામાબાદમાં યોજાનારી બેઠક નિષ્ફળ જશે, તો હોર્મુઝની સામુદ્રધુનીથી લઈને તેહરાન સુધી ફરી એકવાર મિસાઈલોનો ગડગડાટ સંભળાઈ શકે છે.