સોની બજારમાંથી ૧૩ વર્ષના બે બાળમજૂરોને મુકત કરાવાયા: માલિક- ઠેકેદારો સામે ફરિયાદ
સોની બજારમાંથી ૧૩ વર્ષના બે બાળમજૂરોને મુકત કરાવાયા: માલિક- ઠેકેદારો સામે ફરિયાદ
July 21, 2026 03:00 PM
ટાસ્ક ફોર્સે સોની બજારમાં બે સ્થળે દરોડો પાડતા બાળ મજુરી કરતા તેર વર્ષના બે બાળકોને મુક્ત કરાવ્યા હતા.ગોલ્ડ હાઉસ અને સુવર્ણદિપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા માલિક-ઠેકેદાર સહિત ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બાદમાં બંને બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. શ્રમ અધિકારી દિશા કાનાણીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોની બજારમાં બોઘાણી શેરીમાં ગોલ્ડ હાઉસ ધરાવતા બ્રિજેશ જગદીશભાઈ રાણપરા અને કોઠારીયાનાકા પાસે સુવર્ણદિપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા દિવ્યેશ મુકુન્દરાય ફીચડીયા અને અહીંના ઠેકેદાર ઝાકીર શેખના નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સરકારી શ્રમ અધિકારી તરીકે નોકરી કરે છે અને બાળ મજુરી રોકવાની તેમની જવાબદારી બને છે. દરમિયાન એન્ટી ટ્રાફિક હ્યુમન યુનિટના પી.આઈ. કે કે ગોહિલ, એ.એસ.આઇ અજય કુમાર શુક્લા, એસ બી મકરાણી, ડીશ કચેરીના ફેક્ટરી ઓફિસર એસ એસ ગુજ્જર, ડીસીપીયુ સી એસ સાપરા, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રસાદ, જ્યોતિબેન બાબરીયા સહિતની ટાસ્ક ફોર્સે બાળ મજુરી નાબૂદી ઝુંબેશ હેઠળ સોની બજારમાં જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યાં ગોલ્ડ હાઉસમાં દરોડા દરમ્યાન બાળમજૂરી કરતો ૧૩ વર્ષનો સગીર જોવા મળ્યો હતો. બાળકની પૂછપરછ કરતા તે અહીં છેલ્લા એક માસથી કામ કરી રહ્યો છે. તેમજ સુવર્ણદિપ કોમ્પ્લેક્સમાં દુકાનમાં દરોડો પાડતા ત્યાં પણ ૧૩ વર્ષનો સગીર બાળમજૂરી કરતો નજરે પડ્યો હતો. ટીમે બાળકની પૂછપરછ કરતા તે અહીં છેલ્લા છ માસથી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ટાસ્ક ફોર્સે ગોલ્ડ હાઉસના માલિક બ્રિજેશ જગદીશભાઈ રાણપરા અને સુવર્ણદીપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા દિવ્યેશ મુકુંદરાય ફીચડીયા વિરુદ્ધ બાળ મજુર અધિનિયમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કર્યા બાદ બંને બાળકોને ટાસ્ક ફોર્સ ટીમે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલ્યા હતા.