શહેરના પીપળીયા હોલ પાસે આવેલા આર.કે.સિલ્વર નામના કારખાનામાં કામ કરનાર બંગાળી કારીગર પર ચોરીની શંકા રાખી કારખાનાના મેનેજરના કહેવાથી બે સિક્યુરિટી ગાર્ડે બંગાળી કારીગર તથા તેના મિત્રને પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ મારમાર્યો હતો. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંગાળી કારીગરના પેન્ટના ખિસ્સામાં સોનાનો છોલ રહી જતા ચોરીની શંકા કરી જ્યાં સુધી ગુનાની કબુલાત ન આપે ત્યાં સુધી મેનેજરે મારવાનું કહ્યું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધી મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિત ચારેયને ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રાજકોટમાં કેવડાવાડી હનુમાન મંદિર પાસે આસ્થા પેલેસમાં રહેતા બંગાળી કારીગર સુલતાન અબ્બાસભાઈ મલિક (ઉ.વ 38) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કારખાનાના મેનેજર સંદીપ, કલ્પેશ અને સિક્યુરિટી ગાર્ડ વિરલ ભાલુ તથા ભરતસિંહ ઝાલાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દોઢ વર્ષથી પીપળીયા હોલ પાસે આવેલા આર.કે. સિલ્વર નામના કારખાનામાં મજૂરીકામ કરે છે. ગઈ તા. 4/11 ના સાંજના સાતેક વાગ્યા આસપાસ યુવાન કામ પુરૂ કરી જવાની તૈયારીમાં હતો ત્યારે સિક્યુરિટી વિરલ ભાલુએ તેને ચેક કરતા ખિસ્સામાંથી સોનાનો છોલ મળી આવ્યો હતો. જેથી તેણે કહ્યું હતું કે, આ વસ્તુ કેમ લઈ જાશ? તેમ પૂછતા યુવાને કહ્યું હતું કે, ભૂલથી રહી ગયો છે. બાદમાં યુવાનને કારખાનાની ઓફિસમાં મેનેજર પાસે લઈ ગયા હતા. જ્યાં મેનેજર સંદીપ તથા કલ્પેશ હાજર હતા આ બંને ખિસ્સામાંથી નીકળેલ સોનાના છોલ બાબતે વાત કરી સિક્યુરિટી ગાર્ડને આ સાચું ન બોલે ત્યાં સુધી મારવાનું કહ્યું હતું. જેથી સિક્યુરિટી ગાર્ડે તેને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવા લાગ્યા હતા. દરમિયાન યુવાનનો મિત્ર રાજુસિંહ ચંદ્રપાલસિંહ આવી ગયો હતો. રાજુ પણ કારખાનામાં સોનીકામ કરતો હોય જેથી યુવાને જ્સોનાનો છોલ રાજુને વેચતો હોવાની શંકા રાખી રાજુને પણ મારવાનું કહેતા સિક્યુરિટી ગાડે તેને પણ પ્લાસ્ટિકનાપાઇપ વડે માર મારવા લાગ્યા હતા.
દરમિયાન નાઈટ સીફટમાં નોકરી કરતા ગાર્ડ ભરતસિંહ આવતા મેનેજરે તેને પણ મારવાનું કહેતા આ ભરતસિંહ પણ બંનેને વારાફરતી બેઠકના ભાગે પાઇપ વડે મારમાર્યો હતો. ભૂલથી છોલ ખિસ્સામાં રહી ગયો હોવાની યુવાને આજીજી કરી હોવા છતાં માર મારવાનું ચાલુ રાખ્યું હતું. યુવાને હાથ પગ જોડી આજીજી કરતા અંતે માર મારવાનું બંધ કર્યું હતું.
બંગાળી યુવાન અને તેના મિત્ર પર ચોરીની શંકા રાખી કારખાનાના મેનેજરના કહેવાથી સિક્યુરિટી ગાર્ડે પાઇપ વડે બેફામ માર મારતા આ અંગે તેણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.જે. ગોહીલે તપાસ હાથ ધરી ચારેય આરોપીઓને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.