ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાનના બે દિવસ અગાઉ એટલે કે ૮ ઓક્ટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવા, પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરવા અને ધાકધમકી આપવાના મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વોર્ડ નંબર ૨ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિતના સમર્થકો સામે માત્ર ૨૪ કલાકની અંદર બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની એક અરજીના અનુસંધાને પેથાપુર પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર ૪ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા પૂછપરછ ચાલુ હતી તે દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આશરે ૨૦ લોકોના ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને પોલીસની સત્તાવાર કામગીરીમાં ગંભીર અડચણ ઊભી કરી હતી.
આ દરમિયાન જિગ્નેશ મેવાણી અને વોર્ડ ૨ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિતના લોકોએ પોલીસ સ્ટેશનની બહાર બેસીને ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને વિસ્તારની શાંતિ ડહોળવાના હેતુથી જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરીને તેના વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ પણ કરવામાં આવ્યા હતા. મનપા ચૂંટણી ટાણે જાહેરનામાનો ભંગ કરી પોલીસ પર દબાણ લાવવાના આ પ્રયાસ બદલ પોલીસે જિગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી અને મુલચંદભાઈ સહિતના અજાણ્યા શખ્સો સામે પ્રથમ ગુનો નોંધ્યો છે.
આ મામલે બીજી એફઆઈઆર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગ બદલ નોંધવામાં આવી છે. આ કેસની વિગત મુજબ, વોર્ડ નંબર ૪ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક મુનાફ હબીબભાઈ પઠાણે સામેરી પક્ષના પ્રચારક નિલેષ વિષ્ણુ પંચાલને 'આ અમારો વિસ્તાર છે, અહીં પ્રચાર કરવો નહીં, નહિતર હાથ-પગ નહીં રહે' તેવી ખુલ્લી ધમકી આપી હતી. આ અંગે નિલેષ પંચાલે પોલીસમાં લેખિત અરજી આપી હતી.
ચૂંટણીના સંવેદનશીલ માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેક્ટર-૭ પોલીસ સ્ટેશન દ્વારા મુનાફ પઠાણને પૂછપરછ અર્થે સેક્ટર-૧૩ પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને તેમના અજાણ્યા સમર્થકોનું ટોળું સેક્ટર-૧૩ પોલીસ ચોકીમાં ધસી આવ્યું હતું. તેઓએ ત્યાં પહોંચીને 'અહીંનો ઇન્ચાર્જ કોણ છે, મુનાફને કેમ લાવ્યા છો, તમારી દાદાગીરી કાઢી નાખીશ' તેમ કહીને ભારે બૂમાબૂમ કરી હતી અને સરકારી ફરજમાં મોટી રૂકાવટ ઊભી કરી હતી. એટલું જ નહીં, પોલીસની પૂછપરછ ચાલુ હોવા છતાં તેઓ મુનાફને બળજબરીપૂર્વક પોલીસ ચોકીની બહાર ખેંચીને લઈ ગયા હતા.