જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂ અને બાઈક સહિત બે ભાઈઓને ઝડપી લીધા છે, જ્યારે તેઓને દારૂનો જથ્થો સપ્લાય કરનાર એક શખ્સને ફરારી જાહેર કર્યો છે.
એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી અને પીએસઆઇ કાંટેલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ અને મયુરસિંહને મળેલ બાતમી આધારે શહેરના ખેતીવાડી ભીલવાસના સ્મશન પાછળની ગલીમાંથી જામનગરમાં ખેતીવાડીફાર્મ વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે ભૂરો મંગાભાઈ સુરડીયા નામનો શખ્સ પોતાના નંબર પ્લેટ વગરના એકટીવા સ્કૂટરમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, જેને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ૬૭ નંગ ઇંગ્લિશ દારૂની નાની બાટલી અને સ્કૂટર- મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કરી લીધું છે. જેની પૂછપરછ માં ઉપરોક્ત દારૂ જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે મહેશ્વરી વાસમાં રહેતા ગૌતમ ફફલ એ આપ્યો હોવાની કબુલાત આપતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત બીજો દરોડો તેના ભાઈ અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક ૧૭માં રહેતા દિલીપ મંગાભાઈ સુરડીયાના મકાન પર પાડવામાં આવ્યો હતો. ત્યાં રહેણાક મકાનમાંથી ૩૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી હતી. જેને પણ ગૌતમ ફફલએ દારૂ સપ્લાય કર્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે. એલસીબીએ બે દરોડા દરમ્યાન નાની મોટી ૧૦૩ બોટલ, બાઇક અને મોબાઇલ મળી કુલ ૭૧૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.