પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય જળસીમા પર જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ તેલ માર્ગ એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' માં બે વિશાળ તેલ ટેન્કરો પર ઘાતક હુમલા થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ બે પૈકીના એક ટેન્કર પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા સીધો હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજું સુપરટેન્કર દરિયાઈ માઈન્સ (Sea Mines) ની ચપેટમાં આવી જતાં ધડાકા સાથે સળગી ઊઠ્યું હતું.
ગુરુવારની રાત્રે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની નૌસેનાએ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ટોગોનો ધ્વજ ધરાવતા 'ટ્રેન્ડ' નામના તેલ ટેન્કર પર ત્રાટકીને તેને આગને હવાલે કરી દીધું હતું. ઈરાની ન્યૂઝ એજન્સી મુજબ, આ ટેન્કર અમેરિકી સેનાના ઉશ્કેરાટમાં આવીને ગેરકાયદેસર રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. IRGC એ સત્તાવાર નિવેદન આપતાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો સંપૂર્ણ અને મજબૂત નિયંત્રણ છે, અને કોઈપણ આક્રમક જહાજને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં.
આ ઘટના અગાઉ, 'અલ ગાઈયા' નામનું એક સુપરટેન્કર હોર્મુઝના પ્રતિબંધિત દક્ષિણ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે નૌસેના માઈન્સ સાથે અથડાતાં મોટો વિસ્ફોટ થયો હતો. ટેન્કરમાં લાગેલી ભીષણ આગને બુઝાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને આખું જહાજ આગની જ્વાળાઓમાં હોમાઈ ગયું હતું. ઈરાનની પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) એ આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓને પણ નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજોને કવરેજ કે સેવાઓ ન આપવા માટે કડક સૂચના આપી છે.
બીજી તરફ, અમેરિકાએ ઈરાન પર નાણાકીય શિકંજો વધુ મજબૂત બનાવતા ઈરાની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ 'બિટબેંક' અને તેના ડેવલપર પર સખત પ્રતિબંધો લાદી દીધા છે. આ નેટવર્ક પર બિટકોઈન દ્વારા IRGC ને કરોડો ડોલરનું ફંડિંગ પૂરું પાડવાનો ગંભીર આરોપ છે. દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને તેહરાનમાં આયોજિત "ઈરાન માટે બલિદાન" પરેડમાં ભાગ લીધો હતો, જેમાં 313000 થી વધુ લોકો જોડાયા હતા. આ તમામ ઘટનાક્રમોને કારણે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું છે.