તુર્કીયેના ઇસ્તંબુલ નજીક આવેલા મરમારા સમુદ્રમાં બુધવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. ઇસ્તંબુલના સિલિવરી જિલ્લા પાસે તુર્કીયેના ફ્લેગ ધરાવતા બે વ્યાપારી જહાજો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ એક બલ્ક કેરિયર જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં સવાર 10 ક્રૂ મેમ્બર્સ લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી માટે તુર્કીયે કોસ્ટ ગાર્ડના 14 જહાજો અને 1 હેલિકોપ્ટરને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર સ્થાનિક સમય મુજબ સવારે આશરે 3 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આશરે 3000 ટન એન્જિન ઓઈલ લઈને જઈ રહેલું કેમિકલ ટેન્કર 'અલસુ' અને 4200 ટન કોઈલ્ડ સ્ટીલથી ભરેલું બલ્ક કેરિયર જહાજ 'ટગબાર્ક ઈમામોગ્લૂ' સમુદ્રમાં પરસ્પર અથડાઈ પડ્યા હતા. ટગબાર્ક ઈમામોગ્લૂ જહાજ બ્લેક સી (કાળા સમુદ્ર) ના કરાડેનિઝેરેગ્લી બંદર તરફ જઈ રહ્યું હતું, જ્યારે અલસુ ટેન્કર એજિયન સમુદ્રના આલિયાગા બંદર તરફ આગળ વધી રહ્યું હતું.
તુર્કીયેના મેરિટાઇમ અફેર્સ ઓથોરિટીના જણાવ્યા મુજબ કોસ્ટ ગાર્ડ રેસ્ક્યૂ સેન્ટરને સવારે 3:26 વાગ્યે ટગબાર્ક ઈમામોગ્લૂ જહાજમાંથી કટોકટીનો ઇમરજન્સી સિગ્નલ મળ્યો હતો. આ ઘટનાના 15 મિનિટ બાદ અલસુ જહાજના કેપ્ટને પણ આ અકસ્માત અંગે સત્તાવાર જાણ કરી હતી. અકસ્માત બાદથી જ ટગબાર્ક ઈમામોગ્લૂ જહાજ અને તેના પર સવાર 10 ક્રૂ સભ્યો સાથેનો તમામ સંપર્ક તૂટી ગયો છે. રેડિયો કોલ્સ અને મોબાઈલ ફોન પર કોઈ જવાબ ન મળતાં સત્તાવાળાઓએ જહાજ દરિયામાં જળસમાધિ લઈ ચૂક્યું હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
ઇસ્તંબુલના ગવર્નર કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે કેમિકલ ટેન્કર અલસુને કોઈ મોટું નુકસાન પહોંચ્યું નથી અને તે સુરક્ષિત છે. ઇસ્તંબુલ ચેમ્બર ઓફ મેરિટાઇમ કોમર્સના જણાવ્યા અનુસાર ડૂબી ગયેલું જહાજ 'ઝેબે ડેનિઝસિલિક' કંપનીનું છે, જ્યારે અલસુનું સંચાલન 'ઓઝપુલાથાને ડેનિઝ તાસિમાસિલિગી' દ્વારા કરવામાં આવે છે. હાલમાં તુર્કીયેની કોસ્ટ ગાર્ડ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા સમુદ્રના વિશાળ વિસ્તારમાં લાપતા 10 ક્રૂ મેમ્બર્સને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.