BREAKING NEWS

દારૂ ભરેલી બે કાર ઝડપાઇ: ૧૮૨૪ બોટલ જથ્થા સાથે વિદ્યાર્થી સહિત ત્રણ ઝડપાયા

  • October 12, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દારૂના બે અલગ અલગ દરોડામાં પીસીબી ટીમે બે દારૂ ભરેલી કાર સાથે વિદ્યાર્થી સહીત ત્રણ શખસોને ઝડપી લીધા છે. પીસીબી ટીમે રૂ. 3.63 લાખની કિંમતની દારૂની 1,824 બોટલ દારૂ સહિત કુલ રૂ. 17.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દારૂના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને મળેલી હકીકતના આધારે રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર ગામના પાટીયા પાસેથી મહીન્દ્રા થાર કારમાંથી અંગ્રેજી શરાબની અલગ અલગ બ્રાન્ડની 960 બોટલ જેની કિંમત રૂ.86,400 સાથે આર્યન મનીષભાઈ ચૌહાણ (ઉવ 21. રહે. ગાંધીગ્રામ સોસાયટી શેરી નં.-5, એસ. કે. ચોક, રાજકોટ)ની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 10,91,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ શખસ આર્યન ચૌહાણે મોરબી રોડ પરથી દારૂ ભરેલી ગાડી સંભાળી હતી અને તે ધ્રુવ હિતેશભાઈ બાહુકિયા (રહે. ગાંધીગ્રામ શેરી નં.- 8, રાજકોટ)ને દારૂની ડિલિવરી આપે તે પૂર્વે જ ઝડપાઇ ગયો હતો.અન્ય દરોડામાં પીસીબીના એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને હકીકત મળી હતી કે, ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક રિસોર્ટની બાજુમાં વાવડી તરફ જતા રસ્તા પરથી એક દારૂ ભરેલી કાર પસાર થનાર છે. જેથી વોચ ગોઠવી હતી. દરમિયાન સ્વીફ્ટ કાર પસાર થતાં તેને અટકાવી કારની ઝડતી કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 864 બોટલ જેની કિંમત રૂ. 2,76,768 મળી આવતા કારમાં હાજર શિવરાજ બાબભાઈ ખાચર (ઉવ 22 રહે. ઉપવન પાર્ક શેરી નં.-1, કણકોટ પાટીયા પાસે, કાલાવડ રોડ,રાજકોટ) અને આદિલ જાહિદભાઈ શેખ (ઉવ 24 રહે. સોલવંટ કોઠારીયા, રાજકોટ. મૂળ રહે. વિસાવદર, જુનાગઢ) ની ધરપકડ કરી દારૂ, કાર મળી કુલ રૂ. 6,76,768 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.શિવરાજ પોતે વિદ્યાર્થી છે જયારે આદિલ લીફટનો ધંધાર્થી છે. શિવરાજને પૈસાની જરૂર હોય તેણે વાત કરતા આદિલ શિવરાજને બે હજાર રૂપિયાનું કમિશન આપશે તેમ કહી ડ્રાયવર તરીકે દારૂની ખેપ મારવા ચોટીલા લઇ ગયો હતો. ચોટીલાથી દારૂની ખેપ મારી બંને રાજકોટ આવતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application