BREAKING NEWS

જંકશનના ગાયકવાડીમાં મધ્યરાત્રીના ઘરમાં ઘુસી સોનાની બે બંગડીની લૂંટ

  • October 04, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના જંકશન પોલીસ ચોકી પાછળ આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટ નજીક રહેતા બંગાળી પરિવારના ઘરમાં ઘૂસી મધ્યરાત્રિના ત્રિપુટીએ યુવાન પુત્રને માર મારી વૃદ્ધ માતાએ પહેરેલ બે તોલાની સોનાની બંગડીની સનસનીખેજ લૂંટ ચલાવી નાસી છૂટ્યાની જાણ થતા પ્રનગર, એલસીબી ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દોડતી થઈ છે અને સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ લુટારૂ ત્રિપુટીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી નું દુષણ નિષ્ત નાબૂદ કરવા તેમજ લુટ ચોરી ઘરફોડ ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ થયેલ ગુનાઓનું ડિટેકશન કરવા આદેશ કર્યા હતા.


જેના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ક્રાઈમ બ્રાન્ચને માત્રને માત્ર ડિટેકશન પર ફોકસ કરવા કડક ભાષામાં સૂચના આપી દેવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ પણ એકાએક દોડતી થઈ ગઈ છે એવા સંજોગોમાં આજે એક લૂંટની ઘટનાએ શહેર પોલીસને પડકાર ફેંક્યો છે.


આ લુટની ઘટનાની વાત કરીએ તો રાજકોટના જંકશન વિસ્તારમાં રેલવે પોલીસ સ્ટેશન સામે જંકશન પોલીસ ચોકી પાછળ આવેલ ગાયકવાડી શેરી નંબર ૧/૧૦ ના ખૂણે ગાયત્રી એપાર્ટમેન્ટ નજીક રહેતા દેવાંશીસભાઈ નીતાઈ ચક્રવતી ઉંમર વર્ષ 48 વાળા બંગાળી યુવક પરિવાર ના ઘરમાં ગત રાત્રે બે વાગ્યે લૂંટારૂ ત્રિપુટી મોકો જોઈ એકાએક ઘરમાં ઘૂસી ગઈ હતી.


તેમજ દેવાંશીભાઈ ને ઢીકાપાટુનો માર મારતા બુમા બુમ કરવા લાગ્યો હતો જેથી ઘરમાં સૂતેલા તેના વૃદ્ધ માતા મોનિકાબેન જાગી ગયા હતા અને પુત્રને બચાવવા જતા લૂંટારૂ ત્રિપુટીએ વૃદ્ધાને છરી બતાવી હાથમાં પહેરેલ સોનાની બે તોલાની બંગડી કિંમત રૂપિયા 1.50 લાખની જબરજસ્તીથી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.


આ અંગે ભોગ બનનાર બંગાળી માતા પુત્ર એ બુમા બુમ કરી મુકતા લુંટારુ ત્રિપુટી નાસી છૂટી હતી આ અંગે પ્ર નગર પોલીસને સવારે જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાના અને ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈના ધ્યાને આવતા પી.આઈ વસાવા તેમજ ડી સ્ટાફ એલસીબી ઝોન ટુ , ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પીઆઇ મનોજ ડામોર, પીઆઇ ચિરાગ જાદવ,ની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દોડતી થઈ હતી.


તો બીજી તરફ ડીસીપી જોન ટુ રાકેશ દેસાઈની સૂચનાથી એલસીબી ઝોન 2 પી એસ આઇ આરએચ ઝાલા અને ટીમ પ્ર નગર ડિસ્ટાફ સહિતની જુદી જુદી ટીમો ગાયકવાડી વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજો મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી.


આ લૂંટ અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા ફરિયાદી બંગાળી યુવક એ પોલીસને લૂંટ અંગેની સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે લૂંટારું ત્રિપુટી પરપ્રાંતિય હોવાનું અને રાજસ્થાની ભાષા બોલતા હોય તેવું લાગતું હતું જેથી પોલીસે તેને કહ્યું હતું કે તમે કઈ રીતે કહી શકો કે તે રાજસ્થાની છે જેથી ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતે ત્રણ વર્ષ સુધી રાજસ્થાનમાં રહ્યો હોય જેથી રાજસ્થાની ભાષા જાણતો હોવાનું જણાવતા તેની ફરિયાદ પરથી અજાણી ત્રિપુટી સામે લૂંટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


આ લૂંટના બનાવે રાજકોટ શહેર પોલીસને પડકાર ફેંક્યો હોય પોલીસે પણ લૂટનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ ત્રિપુટી ને ઝડપી લેવા જુદી જુદી ટીમો કામે લાગી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application