શહેરના નવલનગર વિસ્તારમાંથી સ્વીફ્ટ કારની ચોરી થઈ હતી. જે અંગે માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી આગાઉ મંદિરમાં ચોરી સહિતના ૩૩ ગુનામાં સંડોવાયેલા નામચીન મેહુલ ઉર્ફે ભુરી સહિત બે રીઢા ગુનેગારોને પીડીએમ કોલેજ પાસેથી ઝડપી લઇ કાર કબજે કરી હતી. બંને શખસોએ કાર ચોરી કર્યા બાદ તેને વેચવાની ફિરાકમાં હતા દરમિયાન પોલીસની ઝડપે ચડી ગયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ, ગઈ તા. 4/10 ના સાંજના પાંચેક વાગ્યા આસપાસ નવલનગર શેરી નંબર 9 મવડી મેઇન રોડ પાસે પંચનાથ મંદિર નજીક પાર્ક કરેલી સ્વીફટ કાર નંબર જીજે 3 સીઆર 0780 ની ચોરી થયા અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ, એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ તથા ટીમ આ બનાવનો ભેદ ઉકેલવા તપાસમાં લાગી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી જયદીપસિંહ ભટ્ટીને એવી બાતમી મળી હતી કે,પીડીએમ કોલેજ પાસે મામલતદાર ઓફિસથી આગળ નર્સરી પાસેથી રીઢો ચોર મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો તથા તેની સાથે અન્ય એક શખસ આ ચોરઉ કાર સાથે અહીં ઉભા છે. જે બાતમીના આધારે પોલીસની ટીમને અહીં પહોંચી હતી.
સ્વીફટ કાર સાથે મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજીભાઈ જેઠવા (ઉ.વ 28 રહે. કૈલાશનગર શેરી નંબર 2, નવલનગર શેરી નંબર 9 ના છેડે મવડી રોડ) તથા અલ્ફાઝ ઉર્ફે અલ્તાફભાઈ કાદરી (ઉ.વ 24 રહે. પુનિતનગર, વિશ્વકર્મા સોસાયટી)ને ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા એક લાખની કિંમતની કાર કબજે કરી બંનેની પુછતાછ કરતા તેમણે કાર ચોરી કર્યા બાદ કાર વેચવા માટે ગ્રાહક શોધતા હોય દરમિયાન પોલીસની ઝપટે ચડી ગયા હતાં. આ કામગીરીમાં એએસઆઈ હિરેનભાઈ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડ કોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા, અમરદીપસિંહ જાડેજા સહિતની ટીમ સાથે રહી હતી.
ભૂરી સામે 33, આલ્ફાઝ સામે સામે 4 ગુના: બંન્ને પાસા પણ થયા હતા
ચોરાઉ કાર સાથે ઝડપાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે બંનેનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. જેમાં મેહુલ ઉર્ફે ભુરી સામે રાજકોટના માલવિયાનગર, તાલુકા પોલીસ સ્ટેશન, ભક્તિનગર, એ ડિવિઝન, યુનિવર્સિટી, ગાંધીગ્રામ, આજીડેમ તથા અમરેલીના ધારીમાં મળી ચોરી, મારામારી, વાહન ચોરી સહીત કુલ ૩૩ ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ સામે ભક્તિનગર, ડીસીબી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂ, વાહન ચોરી સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે અને તે પણ પાસા હેઠળ જેલની હવા ખાઈ ચુક્યો છે.